ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
87-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની સંભવિત પેટા ચૂંટણી અન્વયે જૂનાગઢ જિલ્લા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આગામી ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઇવીએમ મશીનની એફએલસી (ફર્સ્ટ લેવલ ચેકીંગ)ની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા ભારત ઇલેક્ટ્રોનીક લીમીટેડ (BEL) ના નિમવામાં આવેલ કુલ-10 એન્જિનિયર દ્વારા કુલ 588 બેલેટ યુનિટ, 588 કંટ્રોલ યુનિટ તથા 588 વીવીપેટ યુનીટનું ફર્સ્ટ લેવલ ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. જેમાંથી 583 બેલેટ યુનિટ, 575 કંટ્રોલ યુનિટ, તથા 575 વિવિપેટ યુનિટ ફર્સ્ટ લેવલ ચેકીંગમાં ફાઈનલ કરવામાં આવ્યા હતા. અને પ બેલેટ યુનિટ, 13 કંટ્રોલ યુનિટ તથા 13 વીવીપેટ યુનિટ એફ.એલ.સી રીજેક્ટ થયા હતા.
- Advertisement -
ઉપરોક્ત એફ.એલ.સી. કરવામાં આવેલ મશીનમાંથી પાંચ ટકા મુજબ કુલ-30 ઇવીએમ મશીન રાજકીય પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં બે ટકા મુજબ કુલ 12 ઇવીએમ સેટમાં 500 મતનું મોકપોલ કરવામાં આવ્યું હતુ. બે ટકા મુજબ 12 ઇવીએમ સેટમાં 1000 મતનું મોકપોલ કરવામાં આવ્યું તથા એક ટકા મુજબ 6 ઇવીએમ મશીનમાં 1200 મતનું મોકપોલ કરવામાં આવ્યું હતુ. તમામ મોકપોલ યુનિટનું વીવીપેટની કાપલી સાથે સરખામણી કરવામાં આવી જેમાં કોઈ પણ પ્રકારની વિસંગતતા આવેલ નથી.
આમ ભારતીય ચૂંટણી પંચની સુચનાનું પૂર્ણ પાલન સાથે એફ.એલ.સીની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી, ગાંધીનગરના નાયબ સચિવ હેમાંગ રાણા દ્વારા કામગીરીની રૂબરૂ વિઝીટ કરવામાં આવી.એફએલસીની કામગીરી પૂર્ણ થયા બાદ ભારતીય ચૂંટણી પંચના માલિકીના ડેડીકેટેડ ઇવીએમ વેરહાઉસ ખાતે તમામ ઇવીએમ મશીન સીલ બંધ કરવામાં
આવેલ છે.