PM મોદીના લોકાર્પણ પહેલા એરફોર્સ દ્વારા પ્લેન લેન્ડ કરાયું
વીડિયો ઉતારવા કેટલાક લોકો એરપોર્ટ સુધી ઘુસી ગયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પહેલી વખત એરફોર્સના બોઇંગનું લેન્ડિંગ થયુ છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના લોકાર્પણ પહેલા એરફોર્સ દ્વારા બોઇંગનું પ્લેન લેન્ડ થયુ છે. જેમાં લેન્ડિંગ ટેસ્ટ સફળ રહ્યું છે. જોકે પ્લેનના લેન્ડિંગનો વીડિયો ઉતારવા કેટલાક લોકો એરપોર્ટ સુધી ઘુસી ગયા હોવાનું પણ સામે આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તા.27 જુલાઈના રોજ હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે. હિરાસર એરપોર્ટ ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, અને હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ હવેથી ‘’રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ” તરીકે ઓળખાશે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવાના કારણે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અને વેપારીઓને તેનો સીધો લાભ મળશે.
એરપોર્ટ ખાતે ઉભા કરાયેલા કલાત્મક ટર્મિનલ બિલ્ડીંગ ખાતે એરાઇવલ અને ડીપાર્ચર સહિતની જગ્યાઓને સાઈનેજીસથી સજ્જ કરી દેવામાં આવ્યું છે. ટર્મિનલમાં સિક્યોરિટી બેરીયર અને ટ્રોલીની સુવિધાઓ ઉપરાંત, વિવિધ ઓફિસો સાધનોથી સજ્જ કરી દેવામાં આવી છે. ઓપરેશન મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા વિવિધ સ્થળોની રેકી કરી લેવામાં આવી છે. એરપોર્ટ ખાતે જરૂરી સાફસફાઈ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.