દુનિયાના સૌથી વોન્ટેડ ડ્રગ તસ્કર અને ‘જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ’ (CJNG)ના પ્રમુખ નેમેસિયો રૂબેન ઓસેગેરા સર્વાંતેસ ઉર્ફે ‘એલ મેન્ચો’ ને મેક્સિકન સુરક્ષા દળોએ એક ભીષણ ઓપરેશનમાં ઠેર કર્યો છે. તેની મોત બાદ મેક્સિકોના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી છે. રસપ્રદ વાત એ છે કે, ડ્રગ લોર્ડ બનતા પહેલા એલ મેન્ચો પોલીસમાં નોકરી કરતો હતો, પરંતુ બાદમાં તેણે ગુનાખોરીનો રસ્તો પકડ્યો અને દુનિયાનું સૌથી શક્તિશાળી ગુનાહિત સંગઠન ઊભું કરી દીધું. તેની ક્રૂરતા અને નશીલા પદાર્થોના કાળા કારોબારને કારણે અમેરિકાએ તેના પર 15 મિલિયન ડોલર(અંદાજે 125 કરોડ રૂપિયાથી વધુ)નું ઇનામ જાહેર કર્યું હતું.
ખેત મજૂરથી ડ્રગ માફિયા સુધીની સફર
- Advertisement -
એલ મેન્ચોનો જન્મ 1966માં મેક્સિકોના મિચોઆકન વિસ્તારમાં થયો હતો, જ્યાં અફીણની ખેતી સામાન્ય હતી. બાળપણમાં ખેતરોમાં મજૂરી કર્યા બાદ તે અમેરિકા ગયો, જ્યાં હેરોઈનની તસ્કરીના આરોપમાં તેને જેલ થઈ હતી. જેલમાંથી છૂટ્યા બાદ તેને ડિપોર્ટ કરવામાં આવ્યો અને મેક્સિકો પરત ફરીને તે પોલીસમાં ભરતી થયો. જોકે, ટૂંક સમયમાં જ તેણે ફરી ગુનાની દુનિયામાં પગ મૂક્યો. શરૂઆતમાં તેણે સિનાલોઆ કાર્ટેલ સાથે કામ કર્યું, પણ પછી પોતાનું સામ્રાજ્ય ‘CJNG’ સ્થાપીને પોતાના જ જૂના સાથીઓ સામે યુદ્ધ છેડી દીધું.
ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
એલ મેન્ચો તેની અમાનવીય ક્રૂરતાના કારણે આખા મેક્સિકોમાં ભયનું બીજું નામ બની ગયો હતો. વિરોધીઓમાં ભય ફેલાવવા માટે તેની ગેંગ માથા કાપી નાખવા જેવી પદ્ધતિઓનો સહારો લેતી હતી. તેની હિંમત એટલી વધી ગઈ હતી કે, વર્ષ 2015માં તેને પકડવા માટે આવેલા સૈન્ય હેલિકોપ્ટર પર રોકેટ લોન્ચરથી હુમલો કરી તેને તોડી પાડ્યું હતું. એટલું જ નહીં, કાયદાનો ડર બતાવવા માટે તેણે માત્ર છ અઠવાડિયામાં જ બે ડઝનથી વધુ પોલીસકર્મીઓની હત્યા કરાવી હતી. ‘અલ ચેપો’ પછી મેક્સિકોના સૌથી મોટા ડ્રગ માફિયા તરીકે ઉભરેલો એલ મેન્ચો સોશિયલ મીડિયા પર ધમકીભર્યા વીડિયો દ્વારા સતત આતંક મચાવતો હતો.
- Advertisement -
છબી સુધારવા કરતો હતો નાટક
પોતાની સુરક્ષા માટે એલ મેન્ચોએ મોટાપાયે રાજનેતાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને લાંચ આપીને ખરીદી લીધા હતા. પોતાની છબી સુધારવા માટે તેણે કોરોના મહામારી દરમિયાન ગરીબોને ભોજનના પેકેટ વહેંચીને ‘રક્ષક’ બનવાનો ડોળ કર્યો હતો. ડ્રગ્સ સિવાય તે બળતણની ચોરી અને માનવ તસ્કરી જેવા કામોમાં પણ સંડોવાયેલો હતો. તેની મોતને મેક્સિકો અને અમેરિકન પ્રમુખના પ્રશાસન માટે મોટી જીત માનવામાં આવી રહી છે, કારણ કે તેનું નેટવર્ક અમેરિકામાં જીવલેણ ડ્રગ્સ ફેલાવવા માટે જવાબદાર હતું. આ ઘટનાક્રમમાં ભારત માટે પોતાના નાગરિકોની સુરક્ષાનું મહત્ત્વ વધી ગયું છે.




