ઈજાગ્રસ્ત વૃદ્ધને સુરેન્દ્રનગર રીફર કરાયા: કૌટુંબીક ભત્રીજા અને તેના બે દિકરા વિરૂદ્ધ ગુન્હો દાખલ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના સાપકડા ગામે ગઈકાલે મોડી સાંજે કૌટુંબિક ભત્રીજાએ જ જમીનના પ્રશ્નને લઈ કૌટુંબિક કાકા ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો જેથી ઇજાગ્રસ્ત થયેલ 60 વર્ષના વૃદ્ધને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પ્રભુભાઈએ તેમના કૌટુંબિક ભત્રીજા સહિત ત્રણ શખ્સો સામે હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડા (ઉં.વ. 60) દ્વારા થોડા દિવસ પહેલા તેઓના જ કૌટુંબિક ભાઈઓએ તેઓની જમીન પચાવી પાડી હોવાથી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે ગઈકાલે મોડી સાંજના સમયે પ્રભુભાઈ નવા સાપકડાથી જુના સાપકડા આવી રહ્યા હતા ત્યારે તેમના જ કૌટુંબિક ભત્રીજા હરેશભાઈ દલુભાઈ ચાવડાએ એક રાઉન્ડ ફાયરીંગ કરતા પ્રભુભાઈને ડાબા પગમાં ઢીંચણથી નીચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે હરેશભાઈના દિકરા ભાવેશભાઈએ પણ એક રાઉન્ડ ફાયરીંગ કરતા પ્રભુભાઈને ઢીંચણથી ઉપર પેટના ભાગે ઈજાઓ પહોંચી હતી જ્યારે હરેશભાઈના બીજા દિકરા પ્રકાશે પાઈપથી હુમલો કર્યો હતો અને ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને પ્રાથમિક સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત વૃદ્ધ પ્રભુભાઈએ તેમના કૌટુંબિક ભત્રીજા હરેશભાઈ દલુભાઈ ચાવડા તેમજ ભત્રીજાના દિકરા ભાવેશભાઇ અને પ્રકાશભાઈ વિરૂદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.