દિવાળી પર ફટાકડા ફોડવા માટે માત્ર બે જ કલાકનો સમય મળશે
પેટ્રોલ પંપ, શાળા, કોલેજ, ધાર્મિક સ્થળ, એરપોર્ટ, હોસ્પિટલ કે જાહેર સ્થળોએ ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું સામે આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશનરે દિવાળીમાં ફટાકડા ફોડવાના સમયને લઇ જાહેરનામું જાહેર કર્યું છે. જે મુજબ હવે રાજકોટમાં દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. આ જાહેરનામામાં સુપ્રીમ કોર્ટના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ રાજકોટના પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામામાં જણાવાયું છે કે, દિવાળી, દેવ દિવાળી અને અન્ય તહેવાર આ દરમિયાન રાત્રે 8થી રાત્રે 10 સુધી જ ફટાકડાં ફોડી શકાશે. પ્રદુષણનું પ્રમાણ વધે નહીં તે માટે પેટ્રોલિયમ એન્ડ એકસપ્લોઝીવ સેફટી ઓર્ગેનાઈઝેશન દ્વારા અધિકૃત બનાવટવાળા ગ્રીન ફાયર ક્રેકર્સનું જ વેચાણ અને ઉપયોગ કરી શકાશે. લોકોને અગવડ ઉભી થાય કે, કોઈ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થાય તે રીતે બજારો, શેરીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, સીએનજી પંપ, એલપીજી બોટલિંગ પ્લાન્ટ, એલપીજી ગેસના સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોડાઉન નજીક કોઈપણ પ્રકારના ફટાકડાં ફોડી શકાશે નહીં. તમામ કોર્ટ-કચેરી, હોસ્પિટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિકસ્થળો અને એરપોર્ટ નજીકના 100 મીટરના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવે છે, જેથી આ તમામ પ્રકારના વિસ્તારોમાં કોઈપણ પ્રકારના ફટાકડાં ફોડી શકાશે નહીં. કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટન (ચાઈનીઝ તુકકલ, આતશબાજી બલુન)નું ઉત્પાદન કે વેચાણ કરી શકાશે નહીં કે કોઈપણ સ્થળે ઉડાડી પણ શકાશે નહીં. વિદેશી ફટાકડાંની આયાત કે વેચાણ કરી શકાશે નહીં. હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે ઙઊજઘ દ્વારા અધિકૃત બનાવટવાળા ફટાકડાં વેચી અને વાપરી શકાશે. ફટાકડાંના દરેક બોકસ ઉપર ઙઊજઘની સૂચના પ્રમાણેનું માર્કિંગ જરૂરી રહેશે. ઓનલાઈન ફટાકડાંનું વેચાણ કરી શકાશે નહીં, લાયસન્સ ધરાવતા વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવા ઉપરાંત વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતા હોવાથી તેની ઉપર પણ સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને ધ્યાને રાખી જનતા દિવાળીના તહેવારો ઉજવે તે ઉલ્લેખનિય છે.