બાળકોને આગ લાગવા પર સાવચેતી અને ઓલવણીના પગલાં શીખવાયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
મોરબી શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને આગ લાગવા પર શું કરવું તેની તાલીમ આપવામાં આવી હતી. મોરબી મહાનગરપાલિકા ના ફાયર વિભાગના અધિકારીઓ સ્કૂલ ખાતે પધાર્યા અને સૌ પ્રથમ વિદ્યાર્થીઓને આગ લાગવાનાં જોખમથી બચવા માટે કઈ કાળજી લેવી તે સમજાવ્યો હતો. ત્યાં બાદ, જો આગ લાગશે તો કયા પ્રકારના સાવચેતીના પગલાં લેવા અને આગ ઓલવવા કયા સાધનોનો ઉપયોગ કરવો તે વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યું હતું. આ તાલીમ દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથે પ્રેક્ટિસ પણ કરાવવામાં આવી, જેથી તેઓ વાસ્તવિક પરિસ્થિતિમાં યોગ્ય પગલાં લઈ શકે. ટ્રેનિંગ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના વહીવટદાર કે. આર. ચાવડા સહિત ટ્રસ્ટના સભ્યો અને તમામ શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા.