આગનો આ બીજો બનાવ છે. કડક હાથે કામ લેવામાં નહીં આવે તો તે અટકશે નહીં, સતત ચાલુ રહેશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.7
સમગ્ર ગુજરાતને હચમચાવનારા અને 27 લોકોનો ભોગ લેનારા રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે હાઈકોર્ટ સરકાર-તંત્રનો ઉધડો લઈ જ રહી છે ત્યારે હવે આ કેસમાં મ્યુનીસીપલ કમિશ્ર્નર તથા ફાયરબ્રિગેડ વડાનો કોઈ બચાવ નહીં સાંભળવા હાઈકોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે.
- Advertisement -
ફાયર સેફટીના મામલે મ્યુનીસીપલ કમિશ્નરો તથા ફાયરબ્રિગેડના વડાએ અગાઉના આદેશનુ પાલન નહીં કરીને અદાલતનો તિરસ્કાર કર્યો જ છે ત્યારે કોર્ટ સમક્ષ તેઓને બચાવની તક નહીં આપવા અરજદાર એડવોકેટ અમીત પંચાલે માંગ કરી છે. અમીત પંચાલ છેલ્લા 15 વર્ષથી ફાયરસેફટીનો અમલ કરાવવા કાનૂની લડત ચલાવી રહી છે. અદાલતે અનેક વખત સૂચનાઓ આપી હોવા છતાં તંત્ર દ્વારા તેનું પાલન નહીં કરાયાની દલીલ રજુ કરવામાં આવી છે. તેઓએ હાઈકોર્ટમાં એમ કહ્યું કે, આ કોર્ટનો તિરસ્કાર સામાન્ય નથી. પ્રજાહિતને અવગણીને સતત કરવામાં આવ્યો છે. આગનો આ બીજો બનાવ છે. કડક હાથે કામ લેવામાં નહીં આવે તો તે અટકશે નહીં, સતત ચાલુ રહેશે. અધિકારીઓનું કૃત્ય ઈરાદાપૂર્વકનું હોવાનું માનવાને કારણ રહે છે. અમીત પંચાલ દ્વારા વધુમાં એમ કહેવામાં આવ્યું હતું કે અધિકારીઓને સસ્પેન્ડ કરવાનું પર્યાપ્ત નથી. દુર્ઘટનામાં જવાબદારોને દાખલારૂપ સજા થવી જોઈએ. દોષિત ગણી શકાય તેવા અધિકારીઓને છાવરવામાં આવતા હોવાનો સવાલ ઉઠાવીને આ અધિકારીઓ અદાલતી તિરસ્કારમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી તેઓનો બચાવ પણ નહીં સાંભળવાની માંગ છે.



