ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના જુના બંદર વિસ્તારમાં ગુરુવાર સવારના સમયે આગની ઘટના સામે આવી હતી. દરિયા કાંઠે રાખવામાં આવેલ નાની બોટ (પીલાણા)માં અચાનક આગ લાગતા હલચલ મચી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં 2 થી 3 પીલાણાને નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ આગમાં હજારો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. બંદર વિસ્તારમાં થતી આવી આગની ઘટનાને પગલે સ્થાનિક માછીમારોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. આગ શા કારણે લાગી તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. આ વિસ્તારમાં અગાઉ પણ આગ લાગવાના બનાવો બની ચૂક્યા છે, જે પરિસ્થિતિને ધ્યાને લઈ સત્તાવાર તંત્ર દ્વારા આગનું સાચું કારણ શોધી સુરક્ષાના પગલાં ભરવા માછીમારો અને વેપારીઓ માંગ કરી રહ્યા છે.