મંજૂરી વિના ચાલતી જે. કે. કોટેજ ઈન્ડસ્ટ્રીઝને RUDAએ નોટિસ, આકસ્મિક દુર્ઘટના બાદ સત્તાવાળાઓ જાગ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના કુવાડવા રોડ આણંદપર નવાગામમાં ગઈકાલે બપોરે સાબુની જે. કે. કોટેજ ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા 7 ફાયર ફાઇટરની મદદથી 60 જવાનો દ્વારા સાંજે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જોકે, આ ઘટનામાં નવો ઘટસ્ફોટ થયો છે કે, આ ઈન્ડસ્ટ્રીઝ વર્ષ 2007થી એટલે કે 18 વર્ષથી રૂડા(રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ)ની મંજૂરી વિના ધમધમતી હતી. હવે આગ લાગી ત્યારે કૂવો ખોદ્યાની માફક રૂડાએ નોટિસ આપી છે અને હવે કાયદેસરની કાર્યવાહી કરશે. જોકે, આ દરમિયાન રૂડાની કચેરીમાં જ આગ બુઝાવવા માટેના સાધનો એક્સપાયરી ડેટવાળા હોવાનું સામે આવ્યું છે. રૂડાના ચીફ એક્ઝિક્યુટિવ જી. વી. મિયાણીએ જણાવ્યું હતું કે, આણંદપર નવાગામમાં જે. કે. કોટેજ ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી ત્યારબાદ તપાસ કરતા માલુમ પડ્યું કે, વર્ષ 2007માં આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ફેક્ટરીનો માત્ર લે-આઉટ પ્લાન જ મંજૂર કરવામાં આવ્યો હતો. અન્ય કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી એટલે કે વિકાસ પરવાનગી અને બિલ્ડીંગ યુઝ પરમિશન લેવામાં આવી ન હતી. જેથી, તેમને નોટિસ આપી છે અને હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
વર્ષ 2007 બાદ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ રૂડામાં રજૂ કરવામાં આવ્યા નથી. કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હોવાથી ઇન્ડસ્ટ્રીઝ ગેરકાયદેસર છે. જે-તે ડેવલોપર્સ દ્વારા સંસ્થાની મંજૂરી લેવામાં આવતી હોય છે. જ્યારે તેઓએ એવું સ્વીકાર્યું હતું કે, રૂડાના અધિકારીઓ ફિલ્ડ વિઝિટમાં જાય છે અને જુએ પણ છે કે, આ ગેરકાયદેસર છે પરંતુ, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરતા નથી. જોકે, હવે રૂડામાં આવા કેટલા પ્રકારના ગેરકાયદેસર બાંધકામ છે? તેની ચકાસણી કરવામાં આવશે.
જે.કે.કોટેજ નામની ફેકટરીમાં આગ લાગતા ફાયર વિભાગના 60 લોકોએ આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન ફાયર વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા. ફાયર વિભાગના કર્મચારી વિજયભાઈ જેસર પાણીનો મારો ચલાવી રહ્યા હતા, તે દરમિયાન તેમનો પગ સ્લીપ થતા તેઓ રસ્તા પર પડી ગયા હતા અને પગમાં ઇજા પહોંચી હતી. તુરંત ઈજાગ્રસ્તને સિવિલમાં દાખલ કરતા પગે પ્લાસ્ટર બાંધી તબીબી સારવાર અપાવી તેમના ઘરે મોકલી આપવામાં આવ્યા છે. ડોક્ટરો દ્વારા તેમને હાલમાં આરામની સલાહ આપવામાં આવી છે .