ફાયર બ્રિગેડે 4 લાખ લિટર પાણી છાંટીને આગ પર મેળવ્યો કાબુ, તંત્રના નિષ્ફળ પ્રયાસો પર લોકોમાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ રતનપર
રતનપરની ઝૂરીઓ અને બિરલા ફેક્ટરી પાછળ વધુ એક વાર વિકરાળ આગ લાગી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી આ વિસ્તારમાં છાસવારે આગ લાગવાના બનાવો બની રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવી નથી. શનિવારે સવારે 11 વાગ્યે લાગેલી આગ રતનપર હાઈવે, ઝૂરીઓ અને બિરલા કોલોનીના બી ગેટ પાછળ ફેલાઈ હતી. ફાયર બ્રિગેડ વિભાગે 8 કલાક સુધી સતત જહેમત ઉઠાવી અને અંદાજિત 4 લાખ લિટર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડના 2 મોટા વાહનો ઉપરાંત નેવી, એરપોર્ટ, બિરલા ફેક્ટરી અને ખાનગી ફેક્ટરીઓમાંથી પણ ફાયર વાહનો મંગાવવા પડ્યા હતા.
- Advertisement -
છતાં પણ ધુમાડા સાંજ સુધી દેખાતા રહ્યાં, જેના કારણે ફાયર સ્ટાફ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યો હતો. ઓડદર રતનપરની ઝૂરીઓમાં સતત આગ લાગવાના બનાવો સામે તંત્ર હજુ પણ દોડધામ કરતાં જોવા મળ્યું નથી. આ વિસ્તાર રેવન્યુ અને વન વિભાગના નિયંત્રણ હેઠળ છે, છતાં પણ શખ્સોને પકડી પાડવામાં નિષ્ફળતા મળી રહી છે. આગના કારણે હરિયાળી અને જૈવિક સંપત્તિને ભારે નુકસાન થયું છે. વૃક્ષો બળી ખાખ થઈ ગયા, તેમજ પક્ષીઓના માળા અને વન્ય જીવોને ભારે નુકસાન પહોંચ્યું છે. આગની ગંભીરતા જોતા પ્રાંત અધિકારી, મામલતદાર, ડીપીઓ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. જોકે, આ ઘટનાની પુનરાવૃત્તિ અટકાવવા માટે કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આગ લગાવનાર શખ્સોની શોધખોળ શરૂ
આગ લગાવનારા તત્વોને શોધવા માટે તંત્રએ હવે તપાસ શરૂ કરી છે. જો કે, અગાઉના કેટલાંક બનાવોમાં જવાબદાર શખ્સો હજુ સુધી ઝડપાયા નથી. તંત્રની આ નિષ્ક્રિયતા અને વારંવાર લાગતી આગની ઘટનાઓએ પર્યાવરણ અને સ્થાનિક વસાહતો માટે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.