નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નવુ ઈન્કમ ટેક્સ બિલ 2025 રજૂ કર્યું છે. જેને 7 ફેબ્રુઆરી, 2025ના રોજ કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી હતી. આ નવુ બિલ 60 વર્ષ જૂના ઈન્કમ ટેક્સ એક્ટનું સ્થાન લેશે. જે ટેક્સ સિસ્ટમને સરળ, પારદર્શક અને પ્રભાવશાળી બનાવશે.
નવા ઈન્કમ ટેક્સ બિલમાં પ્રસ્તાવિત સુધારાઓ
ટેક્સ યરનો ઉપયોગઃ
- Advertisement -
નવા બિલમાં અસેસમેન્ટ યરના સ્થાને ટેક્સ યર શબ્દનો ઉપયોગ થશે. જે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો રહેશે. નવો બિઝનેસ શરૂ થાય તો તેનો ટેક્સ યર પ્રારંભના દિવસથી જ શરૂ થશે અને તે વર્ષના નાણાકીય વર્ષના અંતે પૂર્ણ થશે.
કાયદાકીય ભાષા સરળ બનાવીઃ
નવા બિલમાં કાયદાકીય શબ્દોને સરળ અને ટૂંકાવામાં આવ્યા છે. જેથી સમજવામાં સરળતા રહે. બિનજરૂરી જોગવાઈઓને દૂર કરી જૂના 823 પાનાંના સ્થાને નવુ ઈન્કમ ટેક્સ બિલ 622 પાનાંમાં તૈયાર કરાયું.
- Advertisement -
ચેપ્ટર્સ, શિડ્યુલ્સ વધ્યાંઃ
નવા બિલમાં ચેપ્ટર્સની સંખ્યા 23, કલમો 298થી વધી 536 થઈ છે. જ્યારે શિડ્યુલ્સની સંખ્યા 14થી વધારી 16 થઈ.ઉપરાંત આ બિલમાં ‘સ્ટાન્ડર્ડ ડિડક્શન’ અને ‘કેપિટલ ગેઇન ટેક્સ’ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે.
દર જાળવી રાખ્યાઃ
નવા બિલમાં શેરબજાર માટે ટૂંકા ગાળાના મૂડી લાભના સમયગાળામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કલમ 101(b) હેઠળ, 12 મહિના સુધીના સમયગાળાને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવશે. આ ઉપરાંત તેના દરો પણ સમાન રાખવામાં આવ્યા છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 20 ટકા પર યથાવત્ રાખવામાં આવ્યો છે.
સીબીડીટીની સ્વતંત્રતા વધીઃ
નવા ટેક્સ ઍક્ટ (2025) મુજબ, હવે ‘સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ’(CBDT)ને સ્વતંત્ર રીતે આવી યોજનાઓ શરુ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેનો હેતુ અમલદારશાહી વિલંબની સમસ્યાને દૂર કરવાનો છે. CBDT કલમ 533 મુજબ પુનરાવર્તિત કાયદાકીય સુધારા કર્યા વિના કર સંબંધિત વહીવટી નિયમો તૈયાર કરી શકશે અને તેને રજૂ કરી શકશે. ઉપરાંત, CBDT ડિજિટલ ટેક્સ મોનિટરિંગ સિસ્ટમ પણ લાગુ કરી શકશે.
ટેક્સ રિજિમમાં કોઈ ફેરફાર નહીં
નવા ટેક્સ બિલમાં ટેક્સ રિજિમ(New Tax Regime) બાબતે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી; બજેટમાં જાહેર કરાયેલા દરો યથાવત્ રહેશે. નવી કર વ્યવસ્થામાં સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે; જે અંતર્ગત 12 લાખ રૂપિયા સુધીની કમાણીને આવકવેરામાંથી બહાર રાખવામાં આવી છે. ઉપરાંત, નવી કર વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 રૂપિયા અને જૂના ટેક્સ શાસન હેઠળ 50,000 રૂપિયા હશે.