‘ખાસ-ખબર’નાં અહેવાલ બાદ યુનિવર્સિટીનું નિંભર તંત્ર જાગ્યું
3 કરોડના ખર્ચે નિર્માણ પામેલું નવું ભવન 4 માસથી ધૂળ ખાતુ હતું: 4 આધુનિક ક્લાસ રૂમ અને કિંમતી સાધનો સાથેની 4 લેબોરેટરીની સુવિધા છે નવા ભવનમાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રણ કરોડથી વધારે રકમના ખર્ચે બનાવવામાં આવેલ અત્યાધુનિક નેનો-સાયન્સ ભવનના નિર્માણને 4 માસ જેટલો સમય વિતી જવા છતાંય નવા બિલ્ડિંગમાં તેનું સ્થળાંતર કરવામાં આવતું ન હતું, જે અંગે ‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ અંતે નેનો સાયન્સ ભવનનું નવા બિલ્ડિંગમાં સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. નેનો-સાયન્સ ભવનના વિદ્યાર્થીઓ અનેક અસુવિધાઓથી ભરપૂર જૂના બિલ્ડિંગમાં બેસવા માટે મજબૂર હતા, જે ભવનમાં પાણી ટપકવું, છતમાંથી પોપડાં પડવા, વીજ શોકનો ભય આ બધી કાયમી સમસ્યા હતી. જ્યારે બીજીબાજુ લાંબા સમયથી તૈયાર પડેલા નવા ભવનમાં 4 અતિઆધુનિક ક્લાસરૂમ અને 4 કિંમતી સાધનો સહિતની લેબની સુવિધા પણ તૈયાર હતી. આ બાબતે અવારનવાર રજૂઆતો બાદ અંતે નવા ભવનમાં લાઈટ-પાણીની સુવિધાઓ સાથે આગામી 1 સપ્ટેમ્બરથી નેનો સાયન્સ ભવનના વિદ્યાર્થીઓને નવા ભવનનો લાભ મળે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
આ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જન્માષ્ટમીની રજાઓ દરમિયાન સાધનો- અન્ય સામગ્રીઓનું સ્થળાંતર થઈ જવાની સંભાવના છે. જો કે આ નવનિર્મિત ભવનનો કબ્જો હજુ નેનો સાયન્સ ભવનને સોંપવામાં આવ્યો નથી, પરંતુ સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવામાં આવ્યાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, આ નવનિર્મિત ભવનનું ઉદ્દઘાટન 1-2-2022નાં રોજ તત્કાલીન કુલપતિ પેથાણીના સમયગાળા દરમિયાન શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને નાયબ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું.