કૌભાંડમાં સંડોવાયેલાઓ સામે ફોજદારી ગુનો નોંધો
કોર્પોરેશનનું કમ્પાઉન્ડ શરમ-શરમના નારાથી ગાજી ઉઠ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આમઆદમી પાર્ટી દ્વારા આજે કોર્પોરેશનમાં કૌભાંડકારીઓ હાય-હાયના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે આવેદન પાઠવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કૌભાંડમાં સંડોવાયેલા વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ નોંધવા અને સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરી જ્યાં સુધી અહેવાલ ન આવે ત્યાં સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને હટાવવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા હેઠળ આવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા આચાર્ય- શિક્ષકોના ગણવેશમાં ખૂબ મોટાપાયે કૌભાંડની ન્યાયિક તપાસ કરવા તેમજ દોષિતોને સજા મળે તે માટે આમઆદમી પાર્ટી શિક્ષણ સેલ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને તેમજ તેમના મારફત રાજ્યના શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવેલ કે સ્કૂલ ઓફ એક્સિલન્સના સંદર્ભે 18 જેટલી શાળાઓના ડેવલપમેન્ટ માટે મંજૂર થયેલ ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવેલ છે. આ ગ્રાન્ટનો દુરુપયોગ શિક્ષકો અને આચાર્યો માટે ગણવેશની 5500 રૂપિયાની બે જોડીમાં થયો છે. આ બે જોડી ગણવેશની કિંમત આશરે 1100થી 1200 જેટલી હોવાનું જાણવા મળ્યું છે. આમ શાળાના શિક્ષકો અને આચાર્યની ટોટલ સંખ્યા 310 છે, આ શિક્ષકોને 19 લાખના હલકી ગુણવત્તાવાળા ગણવેશ આપી કૌભાંડ આચરેલ હોય તેવું જણાય છે તેમજ અન્ય 690 શિક્ષકોને 31 લાખના ગણવેશ આપે તે પહેલાં આ કૌભાંડનો ભાંડો ફૂટી ગયો છે. આ ઉપરાંત આ કૌભાંડ આચરવા માટે તેમજ વચ્ચેથી કમિશન મેળવવા માટે નગર પ્રાથમિક સમિતિના ચેરમેન દ્વારા આચાર્યોને ફરિજયાત આર્ય એન્ટરપ્રાઈઝ અને પૂર્વા સ્કૂલ સ્ટેશનરીમાંથી જ ખરીદી કરવાનું પ્રેશર કરવામાં આવેલ. જો આચાર્યો દ્વારા આમ કરવામાં ન આવે તો માનસિક ત્રાસ આપવામાં આવે છે. આ સમગ્ર ઘટનામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનનું નામ સામે આવી રહ્યું છે અને અન્ય બે નામ પણ સંડોવાયેલ છે જે ઉપર દર્શાવેલ પેઢીના માલિક હોવાનું જાણવા મળે છે.
આ નગર પ્રાથમિક શિક્ષણને કલંક્તિ કરતી ઘટના કે જે ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થી અને સ્કૂલના ડેવલપમેન્ટ માટે હતી જેમાં શાળાઓના બાંધકામ, પીવાના પાણી માટે આર.ઓ., રમતગમતના સાધનો, લાયબ્રેરી વગેરે માટે ગ્રાન્ટ વાપરવાની હતી જે તેના બદલે આવા ગણવેશ કૌભાંડમાં વાપરવામાં આવેલ તેથી આમઆદમી પાર્ટી શિક્ષણ સેલ દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે આ કૌભાંડની તપાસ માટે કમિટી નિમવામાં આવે અને તાત્કાલિક ધોરણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી નિલંબિત કરવામાં આવે. આ કૌભાંડમાં જે કોઈ પણ સંડોવાયેલ હોય તેના વિરૂદ્ધ ફોજદારી ગુનો નોંધવામાં આવે અને કડક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવે, અન્યથા આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ આપના શિક્ષણ સેલના પ્રમુખ દિગ્વિજયસિંહ વાઘેલાની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
કાર્યવાહી ન થાય તો આમ આદમી પાર્ટી આંદોલન છેડશે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ અને તેના મળતિયાઓના ભ્રષ્ટાચારના મુદ્દે કમિટિની રચના કરીને તાત્કાલિક રિપોર્ટ આપવા અને જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી ચેરમેનને નિલંબીત કરવાની અને સંડોવાયેલા તમામ સામે ફોજદારી ગુનો નોંધવાની માગણી આમઆદમી પાર્ટી દ્વારા કરવાની સાથોસાથ જો આમ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચિમકી આપવામાં આવી છે. આમ આપ આ ઘટનાના મૂળ સુધી પહોંચીને જવાબદારોને સજા અપાવવા કટિબદ્ધ બની છે.