જિલ્લા પોલીસ વડાને થયેલી અરજીમાં માંગ: ચોંકાવનારા આક્ષેપો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ટંકારાના રમેશભાઈ ભવાનભાઈ ભૂંભરીયા નામના જાગૃત યુવાને જિલ્લા પોલીસ વડા અને રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતનાઓને ભૂમાફિયાઓ સામે સખ્તાઈથી અને દાખલારૂપ પગલાં લઈ શહીદ સ્મારક અને શહીદ વન બચાવવા ફરિયાદ પત્ર (અરજી) કરી આ સ્થળ નજીક મસમોટા આર્થિક ઉપાર્જન માટે સોસાયટી નિર્માણ કરી રહ્યા છે. ચાલાક અને ચતુરાઈપૂર્વક હેતુ પાર પાડવા સ્મારક સ્થળ નજીક બાંધકામની મંજુરી લઈ તંત્રને પણ મુર્ખ બનાવી અથવા અંધારામાં રાખી સરકારી જમીનમાં પેશકદમી કરી પગપેસારો કરી બાંધકામ કરી રહ્યાના સણસણતા આક્ષેપ કરી તટસ્થ તપાસ કરવા માંગણી કરી હતી.
દેશ જેની સુરક્ષા હેઠળ સુરક્ષિત છે એ ભારતના શહીદ વીરોના સ્મારક પણ સુરક્ષિત ન હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટંકારા તાલુકા પંચાયત નજીક સરકારી જમીન અમૃત મહોત્સવ કાર્યક્રમમાં જયાં રાષ્ટ્રના શહીદ થયેલા નરબંકાઓની યાદને કાયમ જીવંત રાખવા શહીદવન નિર્માણ કરાયું હતું અને આ સ્થળ ઉપર વૃક્ષારોપણ અને શહીદ સ્મારક સ્તંભ બનાવવામાં આવેલ તે સરકારી જમીન (જગ્યા) પર પગપેસારો કરી ભૂમાફિયાઓ દ્વારા હાલ કોમર્શિયલ અને રહેણાંક સોસાયટીનું નિર્માણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.
રાજ્યભરમાં ભૂમાફિયાઓ બેલગામ બન્યા હોય એવા કિસ્સાઓ દિનપ્રતિદિન ઉજાગર થતાં જોવા મળે છે. આવો જ કિસ્સો ટંકારામાં હાઈલાઈટ્સ થયો હોવાનું જાણવા મળેલ છે. ટંકારા શહેરની લતીપર ચોકડીથી માત્ર 500-700 મીટર દુર લતીપર રોડ ઉપર તાલુકા પંચાયત નજીક જ સરકારી જમીન આવેલી છે. આ જગ્યા ઉપર અગાઉ ગત તા. 10/8/23ના આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ પ્રસંગે ટંકારાના ટીડીઓના સીધા માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રની સુરક્ષા કાજે શહીદ થયેલા શહીદ વીર નરબંકાઓની યાદ કાયમ લોકહૃદયમાં જીવંત રહે એ માટે આ સરકારી જમીન પર શહીદવન બનાવવાની જાહેરાત કરી અહીંયા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. અને અહીંયા શહીદ સ્મારક સ્તંભ બનાવાયો હતો. બાદમાં, કેન્દ્ર સરકાર આયોજિત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ હેઠળ શહીદોની સ્મૃતિ સાથે કળશ યાત્રા વખતે ટંકારાના તત્કાલીન સરપંચ ઉપરાંત, અનેક આગેવાનો અને દેશના સિમાડાની સુરક્ષા કરતાં જવાન સૈનિકોની ઉપસ્થિતિમાં શહીદ વનને નુકસાન ન થાય એ માટે વોંકળાના પાણીથી બચાવવા પુર રક્ષક દિવાલ 15માં નાણાપંચમાંથી ખર્ચ કરી બનાવવામાં આવી હતી. આ રાષ્ટ્રના વીર શહીદોની યાદ જીવંત રાખવા બનાવેલા શહીદ સ્મારક ઉખાડીને શહીદવનનું નિકંદન કાઢી ભૂમાફિયાઓ મલાઈ તારવવા શહીદ સ્મારક નજીકમાં જ કોમર્શિયલ અને રહેણાંક સોસાયટીનું નિર્માણ કાર્ય કરી રહ્યાના આક્ષેપો ઉઠ્યા છે. જો, હકિકત સાબિત થાય તો દેશના સુરક્ષા કરતાં, બલિદાનો આપતાં શહીદ વીરોના સ્મારક સલામત ન હોય તો આથી વિશેષ શરમજનક બાબત કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી.