સામસામી મારામારીમાં બંને પક્ષે ગંભીર ઈજાઓ પહોંચી: પોલીસે તપાસ શરૂ કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના રાષ્ટ્રીય શાળામાં આજે સવારે મારમારીની ઘટના બની છે. ઘટનાની વિગત અનુસાર આજે સવારે રાષ્ટ્રીય શાળાના કેમ્પસમાં આવેલા ફિઝયોથેરાપી સેન્ટર પાસે કેટલા આવારા તત્વોએ પૂરપાટ થાર ગાડી ચલાવી સ્ટંટ કર્યા હતા. આ દરમિયાન કેમ્પસમાં ઉપસ્થિત રહેલા કેટલાક વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ થારચાલકને કેમ્પસમાં સ્ટંટ ન કરવા તેમજ પૂરપાટ ગાડી ચલાવવા ના પાડી હતી. આથી થારચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેમણે પોતાના જ્ઞાતિબંધુઓને બોલાવી લીધા હતા. કેમ્પસમાં રહેલા કેટલાક લોકો અને થારચાલક તેમજ તેના સાથીદારો વચ્ચે સ્ટંટ ન કરવા તેમજ પૂરપાટ ગાડી ન ચલાવવા મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને અંતે ઉગ્ર બોલચાલી મારામારીમાં પરિણમી હતી. થારચાલક અને તેના સાથીદારોએ કેમ્પસમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને મહિલાઓને ધોકાપાઈપથી ઢોર માર મારવાનો શરૂ કરી દીધો હતો. સામાપક્ષે સ્વબચાવમાં કેટલાક લોકોએ થારચાલક અને તેના સાથીદારોને પણ મેથીપાક ચખાડ્યો હતો. આ મારામારીમાં બંને પક્ષના લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. એટલું જ નહીં, મારામારીનો મામલો થાળે પાડવા વચ્ચે પડેલા મનીષ ભાડલીયા નામના શખ્સનો ચાર તોલાનો સોનાનો ચેઈન પણ પડી ગયો હતો. રાષ્ટ્રીય શાળામાં બનેલી મારામારીના સમગ્ર મામલે એ ડીવીઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.