વરસાદમાં લોકોની હાલાકીમાં વધારો થતા તંત્ર પ્રત્યે પ્રચંડ રોષ વરસ્યો
જરી અમથા પડેલા વરસાદને કારણે રાજકોટવાસીઓ હેરાન તથા ચિંતિત બન્યા
- Advertisement -
રાજકોટ સહિત રાજ્યભરમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂન સુધીમાં બેસી જતું હોય છે. પણ આ વર્ષે ચોમાસું દસેક દાડા મોડું બેઠું છે. અત્રે નોંધનીય છે કે, ચોમાસું મોડું બેઠું છે છતાં પણ તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવી નથી. હાલ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વિધિવત બેઠેલા ચોમાસાએ રાજકોટ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીનો ફિયાસ્કો બોલાવી દીધો છે. છેલ્લા બે દિવસમાં રાજકોટમાં પડેલા બે ઈંચ જેટલા થોડા અમથા વરસાદે જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર શંકા અને સવાલો ઉભા કરી દીધા છે. રાજકોટમાં ગઈકાલે અને પરમ દિવસે પડેલા વરસાદને કારણે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ છે. જરી અમથા પડેલા વરસાદને કારણે રાજકોટવાસીઓ હેરાન તથા ચિંતિત બન્યા છે.
રાજકોટમાં ચોમાસાની સાથે પાણી ભરાવા, ભુવા પડવા, વીજળી ગુલ થવી, ટ્રાફિકજામ જેવી સમસ્યાનું પણ આગમન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સુધરાઈ વિભાગ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનું આયોજનબદ્ધ રીતે કામ હાથ ધરવામાં ન આવતા હાલની પરિસ્થિતિ પરથી ચોમાસાના પ્રારંભથી જ ઠેર-ઠેર પાણી ભરાવવા અને ભૂવા પડવાની સમસ્યાઓ સાથે વિજળી ગૂલ થઈ જવાની અને ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવા તૈયાર રહેવું પડશે એવું જણાય રહ્યું છે. રાજકોટ શહેરમાં ભુગર્ભ ગટર, રોડ ઉપર પાણી ભરાવા તેમજ બેક ઈંચ જેટલા વરસાદથી કલાકો સુધી વીજળી ગુલ થઈ જવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા સબ સલામતના બણગા ફુંકવામાં આવી રહેલા છે ત્યારે તંત્રની ગંભીર બેદરકારીનો ભોગ જાહેર જનતા બની રહી છે. આ સાથે જ પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર ચોપડે જ થતી હોવાનું ચિત્ર પણ ઉઘાડું પડ્યું છે.
ભૂતકાળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં તંત્રની કામગીરી હવાઈ જતા રાજકોટના અનેક વિસ્તારો પાણી ભરાવાની, ભુવા પડવાની, લાઈટ જતી રહેવાની મુશ્કેલીનો સામનો કરી ચૂક્યા છે ત્યારે આ ચોમાસે પણ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની સદંતર નિષ્ફળ થઈ રહી હોય તેવું માલૂમ પડી રહ્યું છે.
થોડા વરસાદમાં અડધું રાજકોટ અંધારપટ
રાજકોટમાં બે ઈંચ જેટલો વરસાદ વરસતા લોકોનાં ચહેરા પર ખુશી અને હૈયે હાશકારો જોવા મળ્યો હતો પરંતુ આ આનંદ લાંબો ક્ષણ ટકી શક્યો ન હતો. કારણ માત્ર એટલું જ કે, ચોમાસાના વિધિવત આગમન સાથે અમી છાટણા પડતા જ અડધા રાજકોટમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. વહેલી સાંજે ખોરવાયેલો આ વીજ પુરવઠો છેક મોડી રાત્રે યંત્રવત બન્યો હતો. આ સિવાય દિવસે પણ વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો ગરમી અને બફારાનાં કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ખાસ કરીને કહેવાતા સ્માર્ટ સીટીમાં થોડો અમથો વરસાદ વરસતા અડધું સિટી અંધારાપટ થઈ જતા પ્રિ-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા સાથે વીજ તંત્ર ઉંઘતું ઝડપાયું હતું. હજુ તો મેઘરાજા મન મૂકી વરસે એ પહેલાં જ ભક્તિનગર સોસાયટી, ગુરુકુળ રોડ, મવડી રોડ, લક્ષ્મીનગર, ગુંદાવાડી, કોઠારિયાનાકા, કાલાવાડ રોડ, યુનિવર્સીટી રોડ. આમ્રપાલી ફાટક, એરપોર્ટ રોડ, બજરંગવાડી, ભોમેશ્વર પ્લોટ, જંકશન, નાનામવા રોડ, વિજયપ્લોટ, રણછોડનગર, બેડીપરા, નીલકંઠનગર, નટરાજનગર, યોગશ્વરપાર્ક, ઢેબર રોડ, ગોંડલ રોડ, રૈયાનાકા ટાવર, લોહાણાપરા, સાંગણવા ચોક, મોરબી રોડ જકાતનાકા, રૈયા ચોકડી, રૈયાધાર સહિત અડધા રાજકોટમાં અંધારાપટ છવાઈ ગયું હતું.
પ્રિ-મોન્સૂન પ્લાન પહેલા વરસાદે જ હવાઈ ગયો: તંત્રને સાવધ રહેવા સૂચવતા વરૂણ દેવ
રાજકોટમાં ચોમાસાએ વિધિવત આગમન કરી દીધું છે. શહેરમાં માત્ર બે ઈંચ વરસાદ પડ્યો છે જેણે તંત્રની પોલ ખોલી દીધી છે અને પ્રિ-મોન્સૂન પ્લાનનાં દાવા વરસાદ પહેલાં હવાઈ ગયા છે. ચોમાસાનાં આગમન પહેલા જ પડેલા નાના અમથા માવઠામાં રાજકોટનાં લોકો વીજ પુરવઠો ખોરવાઈ જવા, પાણી ભરાવા, ભુવા પડવા જેવી સમસ્યાઓની ભોગ બન્યા છે. શહેરના મોટાભાગનાં વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાથી અને પાણી ભરાઈ જવાથી તંત્ર સામે લોકોનો પ્રચંડ રોષ જોવા મળ્યો હતો. રાજકોટવાસીઓ આ અંગે પરેશાન છે કે, હજુ તો માત્ર થોડો વરસાદ પડ્યો છે ત્યાં આ સ્થિતિ છે તો ચોમાસામાં શું થશે? આવનારા દિવસોમાં જો રાજકોટમાં પાંચ-દસ ઈંચ જેટલો વરસાદ એકસાથે ખાબક્યો તો તંત્ર દ્વારા પાણી નિકાલ અને વીજ પુરવઠો યંત્રવત રાખવાની કામગીરી કેવી બજાવશે તેની પર સૌની મીટ મંડાયેલી છે.