ભામાશા અને ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીનું મહોત્સવના પ્રમુખ તરીકે સફળ નેતૃત્વ
ઉમિયાધામ સિદસરના માધ્યમથી બે દાયકામાં 325 કરોડના સામાજિક-સેવાકીય કાર્યો થયા
પદયાત્રિકોના 30 જેટલા સંઘ બુધવારે ઉમિયાધામ સિદસર પહોંચશે: 11 કુંડી મહાયજ્ઞ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉમિયાધામ સિદસર દ્વારા છેલ્લા સાડા ત્રણ દાયકામાં ત્રણ યાદગાર અને અવિસ્મરણીય મહોત્સવ થકી કુળદેવી મા ઉમિયાના સાનિધ્યમાં ભક્તિની શક્તિ સાથે સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે અનેક યોજના, પ્રવૃત્તિઓ, કાર્યક્રમો કરવામાં આવેલ છે. સિદસર ખાતે આગામી 25થી 29 ડીસેમ્બર 2024માં ઉમિયા માતાજીનો 125મો પ્રાગટ્ય મહોત્સવ રંગેચંગે ઉજવાશે જેની ઉમંગભરી ઉછામણી ભાદરવા સુદ પુનમ તા. 18 સપ્ટે. ને બુધવારે સવારે 9-30 કલાકે ઉમિયાધામ સિદસર ખાતે યોજાશે.
- Advertisement -
ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યું છે કે 2001થી 2021 સુધી બે દાયકામાં ઉમિયાધામ સિદસર દ્વારા સૌરાષ્ટ્રના 12 જિલ્લા, 58 તાલુકા અને 740 ગામોમાં ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા ઉમિયા સમૃદ્ધિ યોજના-1 અને 2ના માધ્યમથી 20 જેટલા શૈક્ષણિક સંકુલો, અતિથિભવનો, સામાજિક અને આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે વિવિધ કામગીરી 325 કરોડ જેટલી રકમના સામાજિક કાર્યો થકી પાટીદાર સમાજના ઉત્થાન માટે કાર્યો થયા છે. ઉમિયા ધામના ઉપપ્રમુખો ચીમનભાઈ શાપરીયા અને જગદીશભાઈ કોટડીયાએ દાતાઓના અનુદાન સાથે સ્વયંસેવકોના શ્રમદાન થકી પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે 2024ના મહોત્સવને સફળ બનાવવા તન-મન-ધનથી યોગદાન આપવા હાકલ કરી છે.
મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના બે લાખ પરિવારોમાં સંસ્કાર વારસો જાળવવા અને સમાજને એકતાંતણે બાંધવા ઉમિયાધામ ખાતે ડીસેમ્બર 2024માં સવા શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે.
સમગ્ર મહોત્સવના યજમાનોની ઉમંગભેર ઉછામણીનો કાર્યક્રમ ભાદરવા સુદ પુનમ તા. 18 સપ્ટે. બુધવારે સવારે 9-30 કલાકે ઉમિયાધામ સિદસર ખાતે ટ્રસ્ટીઓ, દાતાઓ, શ્રેષ્ઠીઓ, આગેવાનો, કારોબારી સભ્યો, ઉમિયા પરિવાર સંગઠન સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાશે.
મા ઉમિયાના 125માં પ્રાગટ્ય દિન નિમિત્તે ભાદરવી સુદ પુનમ ને તા. 18 સપ્ટેમ્બરના રોજ 11 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં ભાગ લેવા સૌરાષ્ટ્રભરમાંથી 30 જેટલા પદયાત્રિકોનો સંઘ સિદસરમાં પહોંચશે.
- Advertisement -
આશરે 30થી 35 હજાર પદયાત્રિકો, ભાવિકો સહિત ભાદરવી પુનમે સિદસર માતાજીના દર્શનનો લ્હાવો લેશે. આ મહાયજ્ઞના યજમાન તરીકે શ્રીમતી જયશ્રીબેન તથા ચંદુભાઈ ભીમજીભાઈ ગોપાણી, શ્રીમતી પ્રવિણાબેન તથા જીતુભાઈ હંસરાજભાઈ ગોપાણી તેમજ ધ્વજાપૂજન વિધિના યજમાન તરીકે શ્રીમતી શિતલબેન તથા જસ્મીનભાઈ જમનભાઈ હિંસુ, શ્રીમતી ગીતાબેન તથા રવિભાઈ ગીરધરભાઈ કાનાણી, શ્રીમતી કીર્તિબેન તથા દિપકભાઈ અમરશીભાઈ ગોપાણી લ્હાવો લેશે.