યાત્રાધામ દ્વારકામાં ઓખાથી બેટદ્વારકા ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરાઈ છે. ભારે પવન અને ખરાબ હવામાનના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફેરીબોટ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં દરરોજ ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકો શિશ ઝુકાવે છે, જેઓ ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં અચૂક પણે દર્શન કરવા જતા હોય છે. બેટ દ્વારકા જવા માટે ફેરીબોટનો સહારો લેવો પડે છે. ઓખાથી બેટ દ્વારકા સમુદ્રમાં 160 જેટલી પેસેન્જર બોટો ચાલે છે. ત્યારે ઓખા GMB દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
- Advertisement -
ફેરીબોટ સર્વિસ બંધ
ભારે પવન અને ખરાબ હવામાનના કારણે ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓખા GMBએ યાત્રિકોની સલામતી માટે આ નિર્ણય લીધો છે. ભારે પવન હોવાના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફેરીબોટ સર્વિસ બંધ કરાઇ હતી. પવન અને મોજા શાંત થતાં ફેરીબોટ સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે. ઓખા મરીન પોલીસ દ્વારા ઓખા જેટી પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા જવાનો તૈનાત પણ કરાયા છે.
રાણીવાસના દર્શન ન થતા યાત્રિકો થયા નિરાશ
યાત્રિકો ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં પણ અચૂક જતા હોય છે. ત્યારે યાત્રાધામ બેટ દ્વારકા જતા પ્રવાસીઓ ફેરીબોટ સર્વીસ બંધ કરાતા પાછા ફર્યા હતા અને ભગવાન દ્વારકાધીશના રાણીવાસના દર્શન ન થતા નિરાશ થયા હતા.
દરિયામાં ફસાઈ હતી યાત્રિકોથી ભરેલી બોટ
અત્રે ઉલ્લખનીય છે કે, 24 ડિસેમ્બરે મોડી સાંજે બેટ દ્વારકાથી યાત્રિકોને લઈને ઓખા તરફ જઈ રહેલી બોટ દરિયામાં ફસાઈ ગઈ હતી. દરિયામાં ઓટના કારણે ખૂબ જ ઓછું પાણી થઈ જવાને કારણે બોટ રેતીના ધોવામાં નીચે ફસાઈ જતા બોટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ગભરાઈ ગયેલા મુસાફરો મદદ માટે રાહ જોઈ રહ્યા હતા. આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને મરીન કમાન્ડો દરિયામાં પહોંચી ગયા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
- Advertisement -
યાત્રિકોને સહી સલામત પહોંચાડ્યા દરિયા કિનારે
પોલીસ દ્વારા યાત્રાળુઓને બીજી બોટમાં વારાફરતી સ્થાનાંતર કર્યા બાદ ફસાઈ ગયેલી બોટમાં ઓછા મુસાફરો રહ્યા બાદ અન્ય બોટથી ધક્કો મારીને રેતીમાં ફસાઈ ગયેલ બોટને પાણીમાં તરતી કરી યાત્રિકોને સહી સલામત ઓખાના દરિયા કિનારે પહોંચાડ્યા હતા.