ખંડણી માટે યુવકને ફસાવનાર મહિલાને કોર્ટે જેલમાં મોકલી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
ધ્રાંગધ્રામાં હનીટ્રેપ કેસમાં એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અંજના નામની મહિલાએ પરેશ રબારી સાથે મળીને એક યુવક સામે ષડયંત્ર રચ્યું હતું. આરોપી મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર ફરિયાદી યુવક સાથે સંપર્ક સાધ્યો હતો. તેણે યુવકને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. આ કેસમાં પરેશ રબારી સામે અગાઉથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેમાં ફરિયાદીના મિત્ર અજયભાઈ સાક્ષી છે.
આરોપી મહિલાએ ફરિયાદી અને તેના મિત્રોને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તેણે કોર્ટમાં ચાલતા કેસમાં સમાધાન કરાવવા માટે પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આરોપીએ ફરિયાદીને ગામમાં બદનામ કરવાની પણ ધમકી આપી હતી.
- Advertisement -
ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરતાં ન્યાયાધીશે તેને જેલ હવાલે કર્યા છે. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા સીટી ઙજઈં એમ.બી. વીરજા કરી રહ્યા છે.