અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખાખરિયા ગામની એ પવનચક્કી ઑનિક્સ એનર્જીની હતી, ઓપેરા એનર્જીની નહીં!
કલેકટર-મામલતદારના હુકમ વિરુદ્ધ ઑનિક્સ એનર્જીની અને અન્ય કંપનીની કામગીરી બેધડક ચાલું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખાખરિયા ગામે બે દિવસ પહેલાં જે પવનચક્કી ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થઈ ગઈ હતી એ વાસ્તવમાં ઑપેરા એનર્જીની નહીં પરંતુ ઑનિક્સ એનર્જી (અમદાવાદ-મેટોડા)ની હતી અને તેઓ તથા અન્ય કંપનીઓ અયાના પાવરની પવનચક્કીનું કામ કરી રહ્યાં છે. કલેકટર અને મામલતદારના હુકમથી ઉપરવટ જઈને ઑનિક્સ કંપની આ વિસ્તારમાં બેફામ બનીને પવનચક્કીઓ નાંખી રહી છે.
આ વિસ્તારમાં નવી પવનચક્કીઓ ઈન્સ્ટોલ કરવા પર પ્રતિબંધ છે. તારીખ 16-09-2023ના રોજના હુકમમાં નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ-લાઠીના ડી. બી. ટાંકએ જણાવ્યું છે કે, ‘બાબરા તાલુકાના તમામ ગામોમાં જ્યાં હાલ પવનચક્કીઓ ઈન્સ્ટોલેશન કામગીરી માટે રસ્તા પહોળા કરવાની કામગીરી – રસ્તો ખુલ્લો કરવાની કામગીરી તેમજ વીજપોલ ઉભા કરવાની કામગીરી ચાલુ છે અથવા આવી કામગીરી કરવામાં આવનાર છે તે કામગીરી કરવા સામે આ મનાઈહુકમ આપવામાં આવે છે. અત્રેથી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી આ તમામ કામગીરી બંધ રાખવા આથી સંબંધિત કંપનીને સૂચના આપવામાં આવે છે તેમજ આ હુકમનું પાલન નહિં કરવામાં આવે તો સંબંધિત સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.’
- Advertisement -
આવો સ્પષ્ટ હુકમ હોવા છતાં ઑનિક્સ કંપની અને અન્ય પોતાની કામગીરી પૂરજોશમાં ચાલું રાખી છે. આ કંપની સામે કેવા પગલાં લેવાશે તે જોવાનું રહે છે.
ઑનિક્સ સહિતની અનેક કંપનીઓના કામ ગેરકાયદે ચાલું: કલેકટરે સ્થળ તપાસ કરવી જરૂરી
અમરેલી જિલ્લાના આ વિસ્તારમાં નવી પવનચક્કીઓ ઈન્સ્ટોલ કરવાની મનાઈ હોવા છતાં અહીં બેરોકટોક કામગીરી ઑનિક્સ સહિતની કંપનીઓ કરી રહી છે. આ એરીયામાં કલેકટર જો સ્થળ તપાસ કરે તો અનેક કંપનીઓના કૌભાંડો બહાર આવે તેમ છે અને સંબંધિત તંત્રનો ભ્રષ્ટાચાર પણ ઉઘાડો પડે તેવું છે.
ઑનિક્સ કંપનીની પવનચક્કી જમીનદોસ્ત થઈ, ઑપેરાની નહીં
ગઈકાલે ‘ખાસ-ખબર’માં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું હતું કે, ઑપેરા કંપનીની પવનચક્કી જમીનદોસ્ત થઈ છે. આ પછી ઑપેરાના પ્રતિનિધિઓએ ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું કે, ભોં ભેગી થયેલી પવનચક્કી એમની નહીં, ઑનિક્સની હતી. તેમણે જણાવ્યું હતું કે ‘આ વિસ્તારમાં અમારું કામ પણ ચાલું છે. પરંતુ જે પવનચક્કી પડી ગઈ- તે અમારી ન હતી!’