H3H2 અંગે રાજકોટ એઇમ્સના ડિરેક્ટર CDH કટોચે કહ્યું: ‘આ સામાન્ય ફ્લૂ છે, ગભરાવવું નહિ છતાં સાવચેતી જરૂરી છે’
ખાસ-ખબર સંવાદદાતા
એક તરફ કોરોના વાઇરસનો કહેર બીજી તરફ કોરોના વાઇરસ જેવાં જ લક્ષણો ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું હોય તેમ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ અને ગળામાં બળતરા થાય તેવાં લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે રાજકોટ એઇમ્સના ડિરેક્ટર સી.ડી.એસ. કટોચે મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, H3H2 કોઇ ગંભીર વાઈરસ નથી સામાન્ય ફ્લૂ જેવો છે તેનાથી ડરવાની જરૂર નથી માત્ર સાવચેત રહેવું જરૂરી છે. રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર સી.ડી.એસ. કટોચે વધુમાં જણાવ્યું કે, H1H1 એટલે કે સ્વાઇન ફ્લૂથી મ્યુટેટ થયેલા H3H2 વાઈરસ. આ વાઈરસથી ગભરાવવાની કોઈ જરૂર નથી. આ ફ્લૂના કારણે દર્દીઓ 3-4 સપ્તાહ સુધી શરદી-ઉધરસની બીમારીઓથી પીડાતા હોય છે. આવા સંજોગોમાં ફરી કોવિડ ગાઇડ લાઇનના નિયમોનું પાલન અને સાવચેતી જ બધા લોકોને વાઈરસના બમણા એટેકથી બચાવી શકશે.
- Advertisement -
H3H2 વાઇરસ શું છે?
H3H2 વાઈરસ એક પ્રકારનો ઈન્ફ્લ્યૂએન્ઝા વાઈરસ છે જેને ઈન્ફલ્યૂએન્ઝા એ વાઈરસ પણ કહેવામાં આવે છે. આ એક શ્ર્વાસ સંબંધિત વાઇરલ ઇન્ફેક્શન છે જે દર વર્ષે રોગોનું કારણ બને છે. ઈન્ફ્લ્યૂએન્ઝા એ વાઈરસનો પેટા પ્રકાર છે જે 1968માં શોધવામાં આવ્યો હતો.
કોરોના જેવી સાવચેતી રાખો
કોરોનાની ઘાતક બીજી લહેર હજુ પણ લોકો ભૂલી શક્યા નથી તેવામાં હવે ગુજરાતમાં કોરોના બાદ ઇં3ગ2 નામના નવા વાઈરસની શરૂઆત થવા પામી છે. આ બધા વચ્ચે રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર સી.ડી.એસ.કટોચે મહત્ત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે આ વાઈરસ પણ અન્ય વાઈરસની જેમ સામાન્ય વાઈરસ જ છે. લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. કોરોના સમયે જેવી રીતે સાવચેતી રાખવામાં આવતી હતી તેવી જ સાવચેતી લોકોએ રાખવી પડશે, પરંતુ વાઇરસથી ડરવાની જરૂર નથી.