ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ શહેરના મધ્યમાં આવેલા વોર્ડ નંબર-11માં, જલારામ સોસાયટીની પાછળના વિસ્તારમાં ગંભીર સમસ્યા ઊભી થઈ છે. તાજેતરમાં પડેલા વરસાદ બાદ આ વિસ્તારમાંથી પસાર થતા વોકળામાં પાણીનો નિકાલ બંધ કરી દેવામાં આવતા લગભગ 15થી 20 ફૂટ જેટલું પાણી ભરાઈ રહ્યું છે. વરસાદ બંધ થયાના ઘણા દિવસો બાદ પણ પાણીનો યોગ્ય નિકાલ ન થતાં સ્થાનિકોમાં ચિંતા વધી છે. ભરાયેલા ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ મોટા પાયે વધી રહ્યો છે, જેને લીધે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો ફેલાવવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. જો નજીકના દિવસોમાં આ પાણીનો યોગ્ય નિકાલ નહીં થાય તો ભયંકર રોગચાળો ફાટી નીકળવાની પૂરી સંભાવના છે. આ વિસ્તારના લોકોએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સ્થાનિક તંત્રને વિનંતી કરી છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન થતાં સમગ્ર વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે અને તેઓ તંત્રની ઝડપી કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.
જૂનાગઢના વોર્ડ નં.11માં રોગચાળાનો ભય: વૉંકળાનું પાણી ભરાઈ રહેતા સ્થાનિકો પરેશાન
