પ્રયાગરાજમાં સૌથી વધુ 47.6 ડિગ્રી તાપમાન: આગામી ત્રણ દિવસ તાપમાન વધવાની સંભાવના
ખાસ-ખબર ન્યૂઝ પ્રયાગરાજ, તા.17
- Advertisement -
ઉતરપ્રદેશમાં ગરમી જીવલેણ બની છે. પ્રચંડ લૂ અને તાપથી ઉતરપ્રદેશનું જનજીવન બેહાલ છે. હાલ તો આગામી ત્રણ દિવસ ગરમીમાં વધારાનો ક્રમ યથાવત રહી શકે છે. ચોંકાવનારી વિગત એ બહાર આવી છે કે ગઈકાલે યુપીમાં પ્રચંડ ગરમીએ 49થી વધુ લોકોના જીવ લીધા હતા. પ્રાદેશિક હવામાન વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ રવિવારે પ્રયાગરાજમાં દિવસનું તાપમાન સૌથી વધુ 47.6 ડીગ્રી સેલ્સીયસ નોંધાયુ હતું અને શનિવારે રાતનું તાપમાન 35.2 ડીગ્રી રહ્યું હતું ત્યારબાદ ઝાંસીમાં 47.1 ડિગ્રી, હમીરપુરમાં 46.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ગરમીના કારણે સૌથી વધુ 32 લોકોના મોત બુંદેલખંડ અને કાનપુરમાં નોંધાયા હતા. એકલા બુંદેલ ખંડમાં જ 23 લોકોના મોત થયા હતા. જયારે હમીરપુરમાં 8, ચિત્રકુટમાં 7, મહોબામાં 5, ઉરઈમાં 2, બાંદામાં 1 ના હીટવેવથી મોત થયા છે. આ ઉપરાંત કાનપુરના ઘાટમપુરમાં અલગ અલગ સ્થળો પર ચાર અને કાનપુર શહેરમાં ચાર લોકોના લૂના કારણે મોત થયા છે. તાપમાને આ વખતે 19 વર્ષ જૂના રેકોર્ડને સ્પર્શ્ર્યા છે.