બાળકો-મહિલાઓ લોહીલુહાણ: બાળકો સહિતનાની રોકકળથી વાતાવરણ શોકમય બન્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
- Advertisement -
જૂનાગઢથી વિસાવદર જવાના માર્ગ પર આજે (15 જાન્યુઆરી) એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા કાર રોડ સાઈડમાં આવેલા ચબૂતરા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં સવાર એક જ પરિવારના 6 સભ્ય પૈકી કિશોરભાઈ ગઢવી (ઉં.વ.40)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાલમાં પોલીસે ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડી તેઓ ક્યાના રહેવાસી છે તે સહિતની તપાસ હાથ ધરી છે.
ઇજાગ્રસ્તોની યાદીમાં બ્રિજેશભાઈ ગઢવી (ઉં.વ. 34), પૂર્વીકાબેન (ઉં.વ. 10), વિષ્ણુભાઈ (ઉં.વ. 50), ગીતાબેન (ઉં.વ. 50), ઉમાબેન (ઉં.વ. 30)નો સમાવેશ થાય છે. ચબૂતરા સાથે કાર અથડાતા કચ્ચરઘાણ નીકળી ગયો વિસાવદર રોડ પરથી પસાર થઈ રહેલી કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધી ચબૂતરામાં ઘૂસી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને કારના પતરા ચીરીને ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતને પગલે રોડ પર વાહનોની લાંબી કતારો અને ચક્કાજામના દૃશ્યો સર્જાયા હતા. ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયા આ અકસ્માતમાં ઘાયલ થયેલા પરિવારના પાંચ સભ્યોને તાત્કાલિક 108 મારફતે વિસાવદર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, તમામની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વિસાવદર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી કરી હતી.



