દૂધ હડતાળને મોરબી જીલ્લામાં જબ્બર પ્રતિસાદ મળ્યો, મોટાભાગની ચાની હોટલો પણ બંધ
ટંકારા, હળવદ, વાંકાનેર, માળીયા સહિત અનેક ગામના માલધારીઓએ દૂધનું વિતરણ બંધ રાખ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સરકાર ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચે, ગૌચર ખાલી કરાવે, માલધારીઓને વાડા હક્કની જમીન આપે, વાડા કાયદેસર કરે, માલધારીઓને ખેડૂતોનો દરજ્જો આપવા સહીત વિવિધ 11 માંગણીઓ સાથે માલધારીઓએ સરકાર સામે બાંયો ચડાવી છે અને આજે બુધવારે દૂધ હડતાળનું એલાન કર્યું છે. સાથોસાથ એવી પણ ચીમકી આપી છે કે આજે બુધવારે કોઈ માલધારીઓ દૂધ ભરશે નહીં કે દૂધ આપશે નહીં અને ડેરીઓએ પણ દૂધ નહિ મળે ત્યારે મોરબી જીલ્લામાં પણ મોટાભાગના ગામોના માલધારીઓએ એક બેઠક બોલાવી દૂધ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવાની મુખ્ય માંગ સાથે આજે મોરબી સહીત રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ નહીં કરવા નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આજની આ દૂધ હડતાળને પ્રચંડ સમર્થન સાંપડ્યું છે.
મોરબીમાં આજે મોટાભાગની ખાનગી ડેરીઓ બંધ રહી છે સાથે જ ઘેર-ઘેર થતું દૂધ વિતરણ પણ બંધ રહ્યું છે. માલધારી સમાજના એલાનને ચાની હોટલના ધંધાર્થીઓએ પણ ટેકો આપતા આજે મોરબી જીલ્લામાં મોટાભાગની ચાની લારીઓ અને હોટેલો બંધ જોવા મળી હતી. સાથે જ મોરબી જીલ્લાના ટંકારા, હળવદ અને વાંકાનેરમાં પણ દૂધ વિતરણ ઠપ્પ રહ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. મોરબી માલધારી સમાજના આગેવાનોએ આજના આ વિરોધ કાર્યક્રમને જબરો પ્રતિસાદ મળ્યો હોવાનું અને અંદાજે જીલ્લામાં 2 લાખ લીટર દૂધનું વિતરણ ઠપ્પ થયું હોવાનું જણાવ્યું હતું તેમજ તમામ માલધારીઓએ દૂધ વિતરણ બંધ રાખીને સરકારને શાનમાં સમજી જવા સંકેતો આપ્યા છે.