ટેકાના ભાવે ખરીદી એટલે ’નગદ નહીં, ધક્કા’
રિજેક્શનનો ડર અને નાણાં મેળવવામાં વિલંબના કારણે તંત્રની યોજનાથી ખેડૂતોએ મોઢું ફેરવ્યું
યાર્ડમાં લાંબી લાઈનો અને રિજેક્શનના ડરે ખેડૂતોને ભાવાંતર યોજનાની તાતી જરૂરિયાત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મગફળી અને સોયાબીન જેવી જણસીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, સરકારની આ યોજના વચ્ચે પણ જૂનાગઢના ખેડૂતો મજબૂર બનીને પોતાની જણસી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી હરાજીમાં ઓછા ભાવે વેચવા આવી રહ્યા છે. શિયાળુ પાકના વાવેતર માટે તાત્કાલિક રોકડા રૂપિયાની જરૂરિયાત હોવાથી ખેડૂતો સરકારી ખરીદીનો લાંબો રસ્તો છોડીને નુકસાન વેઠી રહ્યા છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળી અને સોયાબીનની બમ્પર આવક નોંધાઈ રહી છે. આજે એક જ દિવસમાં સોયાબીનની 22,000 કટાની અને મગફળીની 9,000 ગુણીની આવક થઈ છે, જેમાં મોટાભાગની આવક ખુલ્લી હરાજીમાં વેચવા માટે આવી છે. સોયાબીનના ભાવમાં ખેડૂતોને 20 કિલો (એક મણ)ના ભાવ રૂ. 800 થી લઈને 900 સુધી મળી રહ્યા છે. જયારે મગફળીના ભાવ એક મણના ભાવ રૂ. 900 થી લઈને 1400 સુધી બોલાઈ રહ્યા છે.
ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે સોયાબીનના ભાવ ઓછામાં ઓછા રૂ. 1000 થી વધુ મળે તો જ પોષાય. હાલના ભાવ માન્ય નથી, પરંતુ મજબૂરીને કારણે વેચવું પડે છે. ખેડૂતો ટેકાના ભાવની ખરીદીને બદલે ખુલ્લી હરાજીમાં શા માટે આવી રહ્યા છે, તે અંગે તેમણે તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ખેડૂતોની મજબૂરી સ્પષ્ટ છે કે, તેમને તાત્કાલિક રોકડા રૂપિયાની જરૂર છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમારે શિયાળુ પાક જેમ કે ઘઉં, ચણા, અડદ અને મગનું વાવેતર કરવાનું છે. આ માટે બિયારણ, રાસાયણિક ખાતર અને મજૂરી ખર્ચની તાત્કાલિક જરૂર પડે છે, જેના માટે રોકડા રૂપિયા હોવા જરૂરી છે.
- Advertisement -
સરકારી ટેકાના ભાવે ખરીદીથી મોહભંગ થવાના મુખ્ય કારણોમાં સરકારી કેન્દ્રો પર જણસીની ગુણવત્તા તપાસવામાં આવે છે અને સહેજ પણ ઉણપ હોય તો માલ રિજેક્ટ થવાનો ડર રહે છે. ટેકાના ભાવે વેચાણ માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, જેનાથી સમય અને શક્તિનો વ્યય થાય છે. સરકારી ખરીદીમાં રોકડા રૂપિયા મળતા નથી, પરંતુ બેંક ખાતામાં જમા થાય છે, જેમાં વિલંબ થવાથી ખેતીની તાત્કાલિક જરૂરિયાતો પૂર્ણ થઈ શકતી નથી.
એક સોયાબીન લઈ આવેલા ખેડૂતે વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, મને રૂ. 895 ભાવ મળ્યા છે, જે ખૂબ ઓછા છે, પણ ઘરમાં આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. રૂપિયાની જરૂર છે એટલે જે ભાવ મળે તેમાં વેચી નાખીએ છીએ. ખેડૂતોએ સરકારને વિનંતી કરતા જણાવ્યું હતું કે, જો સરકારે ખરા અર્થમાં ખેડૂતોને સહાય કરવી હોય, તો ભાવંતર યોજના લાગુ કરવી જોઈએ. ખેડૂતોની માંગ છે કે, તેઓ ખુલ્લી હરાજીમાં જણસી વેચીને આવે અને તેના બિલમાં જે ભાવ મળ્યા હોય, તેની અને ટેકાના ભાવ વચ્ચેનો તફાવત (ભાવંતર) સરકાર સીધો ખેડૂતના ખાતામાં ચૂકવી આપે. આ યોજના દ્વારા ખેડૂતોને તાત્કાલિક રોકડા મળી રહે અને તેમને પોષણક્ષમ ભાવની સરકારી સહાય પણ મળી શકે. ખેડૂતોની આ મજબૂરી અને માંગણીઓ સ્પષ્ટ દર્શાવે છે કે, ટેકાના ભાવની યોજના તેના ઉદ્દેશ્યમાં નિષ્ફળ નીવડી રહી છે અને તેમાં નીતિગત સુધારાની તાતી જરૂર છે.



