ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢમાં ટી.પી.સ્કીમ રદ્દ કરવાની માંગણી સાથે ખેડૂતો તથા કિસાન સંઘ દ્વારા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. તંત્ર અવાર-નવાર માત્ર ખો આપી આંદોલન પૂર્ણ કરાવી દે છે ટી.પી.રદ કરવા મુદ્દે ખેડૂતોએ જે વાંધાઓ રજૂ કર્યા છે તે વાંધાઓ ઓનલાઇન કરવાને બદલે રફેદફે કરી નાખવામાં આવ્યા હોવાનો કિસાન સંઘે આક્ષેપ કરી સીબીઆઇ તપાસની માંગ કરી છે.જો આ અંગે યોગ્ય નિર્ણય ન થાય તો જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના 1 લાખ ખેડૂત પરિવારો મતદાનથી વંચિત રહેવાની ચીમકી ઉચ્ચારી કલેકટરને આવેદન પત્ર આપ્યુ છે.
- Advertisement -
કિસાન સંઘની માંગણી છે કે,ખેડૂતોની સાથે અન્યાય કરી કરોડોનો ભ્રષ્ટાચાર આચરનાર જુડાના જવાબદાર અધિકારીઓ સામે તત્કાલીન તપાસ સમિતિ બનાવી સીબીઆઇને તપાસ સોંપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો ખેડૂતોની રજૂઆતને ઘ્યાને લેવામાં નહીં આવે તો ચૂંટણી પર્વમાં ખેડૂતોની નારાજગીથી જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના એક લાખ જેટલા ખેડૂતો મતદાનથી વંચિત રહે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી કેમ કે, નિર્દોષ ખેડૂતોની 40 ટકા જમીન લઇ લેવી અને ખેડૂતો પાસેથી બેટરમેન્ટ ચાર્જ વસુલવાની તૈયારી ચાલી રહી છે.