ગ્રો કવર અને મલ્ચિંગ પદ્ધતિથી કરાયેલા વાવેતરના કારણે મરચીના ઉત્પાદનમાં વધારો કર્યો
બાગાયત ખાતા તરફથી ગ્રો કવર માટે 50 ટકા સહાયથી સફળતા મેળવી: ચાર ફૂટ સુધીના મરચીના છોડ થયાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પ્રગતિશીલ બનીને ખેતીમાં નવા અખતરાઓ કરીને વધુ અને સારું ઉત્પાદન મેળવવાના પ્રયોગો કરી રહ્યાં છે. જેના ખૂબ સારા પરિણામો મળ્યાં છે. જિલ્લાના ખેડૂતો બાગાયત ખાતા દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય મેળવીને ખેતીને નફાકારક બનાવી રહ્યાં છે. બાગાયત ખાતા દ્વારા અપાતી ગ્રો કવર માટેની 50 ટકા સહાય મેળવીને ગીર સોમનાથના તાલાલાના ઉમરેઠી ગામના માલદેભાઈ લખમણભાઈ રામ મરચીની ખેતીનું બમ્પર ઉત્પાદન કરીને મરચીથી તરફ અગ્રેસર બન્યાં છે. માત્ર દસમા ધોરણનો અભ્યાસ કરેલા માલદેભાઈ એ ખેતીમાં પ્રયોગો કરીને આગવી સફળતા હાંસલ કરી છે. તેઓ તેમની સાત વીઘા જમીનમાં શરૂઆતમાં પરંપરાગત પાકની ખેતી કરતાં હતાં. પરંતુ જોઈએ તેવું વળતર મળતું નહોતું. છેલ્લાં 15 વર્ષથી તેઓ સતત મરચાની ખેતી કરી રહ્યાં છે. એમ કહો કે મરચાની ખેતી તેમને સદી છે.
માલદેભાઈ રામએ આ વર્ષે અઢી વીઘામાં મરચીનું વાવેતર કરી ખેતીમાં નવો રાહ ચીંધ્યો છે. ગ્રો કવર અને મલ્ચિંગ પદ્ધતિથી વાવેતર કરાયેલ મરચીનો પાક અત્યારે તૈયાર થઈ ગયો છે અને વેચાણ માટે તૈયાર છે. માલદેભાઈના જણાવ્યા મુજબ, ગ્રો કવર પદ્ધતિથી શિયાળામાં પાક સુરક્ષિત રહે છે, તેમજ જીવાત કે અન્ય રોગનો ઉપદ્રવ રહેતો નથી. જેથી દવા અને અન્ય ખર્ચમાં બચત થાય છે. ગ્રો કવરનો બીજો ફાયદો એ છે કે, તેનાથી ખેડૂતો કોઈપણ પાકનું અગાઉથી વાવેતર કરી શકે છે. જેનાથી ઉત્પાદન પણ વહેલું શરૂ થાય છે. જેના કારણે વસ્તુના બજારમાં ભાવ પણ પૂરતા મળે છે.
આ વર્ષે ઉત્પાદન વધારે હોવાના કારણે તેઓ મરચા ઉતારીને સીધું જ વેપારીને વેચાણ કરે છે. અત્યારે બજારમાં કિલોના 30 થી 35 રૂપિયા ભાવ મળી રહ્યાં છે. તેઓ કહે છે કે, આ વર્ષે સાડા ત્રણ ફૂટથી લઈને ચાર ફૂટની મરચીના છોડ થયાં છે. આટલા વર્ષની ખેતીમાં પહેલી વખત આટલાં મોટો છોડ થયાં છે. મરચાની ખેતીમાં શરૂઆતના 45 દિવસ મહત્વના હોય છે. ગ્રો કવરના કારણે આ દિવસોમાં મરચીનો ખૂબ જ ગ્રોથ થયો હતો. આ વર્ષે 25 હજાર કિલો મરચાનું ઉત્પાદન થવાની શક્યતા છે. આથી માલદેભાઇ મરચાનું વાવેતર કરી લાખો રૂપિયાથી આવક મેળવશે. ખેડૂત માલદેભાઈ મલ્ચિંગ અને ગ્રો કવરની સાથે પ્રાકૃતિક ખેતી પણ કરે છે. પોતાની વાડીએ જીવામૃત બનાવે છે અને પાકને આપે છે. તેમજ અળસિયાનું ખાતર પણ તૈયાર કર્યું છે. સારા ઉત્પાદન ઉપરાંત અન્ય લોકોને રોજગારી પણ પૂરી પાડે છે. આ ઉપરાંત, હાલ મરચાં ઉતારવા માટે છ થી આઠ જેટલા લોકોને રોજગારી પણ આપે છે. મરચાની ખેતીથી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને માલદેભાઈ રામે ખેતીમાં નવો રાહ ચીંધ્યો છે.