પાવર ગ્રીડ કંપની દ્વારા ખેતરોમાં ખાડા કરવા માટે જતા ખેડૂતોએ અટકાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
રાજ્યના ખેડૂતોને ખાનગી કંપની દ્વારા ખેતરોમાં ઘુસી જઈ ઊભા પાકને નુકશાન કરતાં હોવાથી અનેક વખત કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાના કિસ્સા પ્રકાશમાં આવે છે તેવામાં ફરી એક વખત ધ્રાંગધ્રા ખાતે ગુરૂવારે સવારે પાવર ગ્રીડ કંપની દ્વારા વાવડી ગામે ખેડુતોના ખેતરમાં જે.સી.બી સહિતના સાધનો લઇ ખાડા કરવા માટે ઘુસી ગયા હતા જેની જાણ ખેડૂતોને થતાં જ ગામના ખેડૂતો ખેતરે જઈ કંપનીનો વિરોધ કર્યો હતો અને કંપનીના સાધનોને ખેતરમાંથી બહાર કરી દીધા હતા. ખેડૂતોના ઊભા પાક પર જે.સી.બી ફેરવી ખેડૂતોને નુકશાની થવાના લીધે ખેડૂતો કંપની સામે લાલઘૂમ થયા હતા. ખેડૂતો દ્વારા જણાવાયું હતું કે તેઓને કંપનીના કામ સાથે કોઈ વાંધો નથી પરંતુ પૂરતી વળતર આપવું જોઈએ કારણ કે મોરબી જિલ્લામાં ખેડૂતોને જે પ્રકારે વળતર મળ્યું છે તેના સામે સુરેન્દ્રનગર જિલ્લામાં વળતર ઓછું આપવામાં આવે છે જેથી પૂરતું વળતર મળશે તો ખેડૂતો કંપનીને કામ કરવાની પરવાનગી આપશે જ્યારે ખેડૂતો દ્વારા પૂરતા વળતરની માંગણી લઈને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને જાણ કરી કેટલાક ખેડૂતો દ્વારા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરવા પણ દોડી ગયા હતા.



