પૂરતું વળતર આપ્યા વગર પાકને નુકસાન કરી કામ કરતા હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે જેમાં ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં ગેરકાયદેસર ઘૂસી વળતર આપ્યા વગર જ વીજપોલ અને વીજ વાયર નાખવાનું કામ શરૂ કરે છે જેના લીધે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને નુકસાન પહોંચાડી કંપનીના કર્મચારીઓ દાદાગીરી કરી ખેડૂતો સાથે ઘર્ષણ ઊભું કરે છે જેને લઇ વારંવાર ખેડૂતો અને કંપનીના કર્મચારીઓ આમને સામને આવી જાય છે. ત્યારે ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના ખેડૂતો દ્વારા પાવરગ્રીડ કંપની સામે પ્રાંત અધિકારી, મામલતદાર તથા પોલીસ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ વગર પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ દ્વારા જે પ્રકારે ખેડૂતોના ખેતરમાં વળતર ચૂકવ્યા વગર ગેરકાયદેસર ઘૂસી કામ શરૂ કરી રહ્યા છે તેની સામે પ્રશાસન પણ કંપનીના કર્મચારીઓને પોલીસ પ્રોટેક્શન આપી રહી છે જેથી જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ વગર કંપનીના કર્મચારીઓને પોલીસ પ્રોટેક્શન નહીં આપવા તથા કંપનીના કર્મચારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે ધાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર તથા તાલુકા પોલીસ મથકના ઈનચાર્જ પીઆઇને આવેદન પત્ર પાઠવ્યું હતું.



