RFO અને DCFનું એક જ રટણ આમારી પાસે ગ્રાન્ટ નથી…!
ચોમાસાની ઋતુ અને વાવણીનો સમય નજીક આવી ગયો, હજુ સુધી સહાય ન ચૂકવાતા ખેડૂતો સામે મોટી સમસ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રના જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર તેમજ જેતપુર પંથકમાં સિમ વિસ્તારમાં આવેલી વિળીઓને લાઇન ટેરેરરી તરીકે જાહેર કરવામાં આવી છે, જેમને લઈને વિળીઓની બોર્ડરની આજુબાજુના સિમ વિસ્તારોમા જમીન ધરાવતા ખેડૂતોના પોતાના ખેતરે કે વાડીઓમાં રાખેલા પશુઓનો જંગલી જાનવરો મારણ કરતા હોય છે. જેને લઈને ગુજરાત સરકાર કે વન વિભાગ દ્વારા જે તે ખેડૂતોના પશુઓનું જંગલી પ્રાણીઓએ મારણ કર્યું હોય તેવા ખેડૂતોને સહાયરૂપે વળતર આપવામાં આવે છે. પરંતુ વીરપુર સહિત જેતપુર પંથકના બાવા પીપળીયા, રૂપાવટી, બોરડી સમઢીયાળા, ખારચિયા, પીઠડીયા, જેતલસર સહિતના ગામના ઘણા ખેડૂતોના પશુઓના મારણ જંગલી પ્રાણીઓ દ્વારા કરવામાં આવ્યા છે. તેમના પાંચ પાંચ મહિના વીતી ગયા છતાં હજુ સુધી કોઈ ખેડૂતોને કોઇપણ પ્રકારની સહાય કે વળતર ચુકવવામાં આવ્યું નથી અને ખેડૂતો જેતપુર ધારેશ્વર સ્થિત વન વિભાગની કચેરી કે રેન્જ ફોરેસ્ટની ઓફીસે રજુઆત કરવા જાય તો ત્યાં મોટાભાગે કચેરીમાં તાળા મારેલા જોવા મળે છે. કોઈપણ વન વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ કચેરી ખાતે હાજર રહેતા નથી અને ખેડૂતોને ધરમના ધકા થાય છે તેવા આક્ષેપો ખેડૂતોએ વન વિભાગ સામે કર્યા છે. ખેડૂતોએ વચ્ચેના સમયગાળામાં આ બાબતે ફોરેસ્ટરને જાણ કરતા તેમને જણાવ્યું હતું કે માર્ચ એન્ડીગ કારણે હજુ સુધી સહાય કે વળતરની રકમ ચૂકવાય નથી થોડા સમયમાં જમા થઈ જશે પરંતુ તે વાતને બે માસ વીતી ગયા છતાં ખેડૂતોને કોઈપણ સહાય કે વળતર ન ચૂકવાતા ખેડૂતોએ વળતર ચૂકવાની માંગ કરી છે. વીરપુરના ખેડૂત દિનેશભાઇએ જણાવ્યું હતું કે બળદ ખેડૂતોનો ખેતી કરવામાં સાચો સાથી હોય છે, 1 ફેબ્રુઆરીના રોજ મારા બન્ને બળદ અમારી વાડીએ બાંધેલ હતા ત્યારે રાત્રે એક બળદનું દીપડાએ મારણ કર્યું હતું અને અમે વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગના કર્મચારીઓ અમારી વાડીએ આવીને નિરીક્ષણ કર્યું હતું અને આ બળદનું મારણ દીપડાએ કર્યું છે તેવું જણાવ્યું હતું અને આનું તમને વળતર સહાય મળશે. પરંતુ તેનો ત્રણ ચાર મહિના જેટલો સમય વીતી ગયો છે છતાં અમને હજુ કોઈ સહાય કે વળતર ચુકવવામાં આવ્યું નથી. જૂન મહિના આડે પંદર દિવસ બાકી છે અને જૂન મહિનામાં જ વાવણી થતી હોય છે ત્યારે અમારે વાવણીનો સમય પણ નજીક આવતો જાય છે. પરંતુ અમારે વાવેતર કઈ રીતે કરવું વાવેતર કરવામાં બે બળદ જોઈએ ત્યારે મારા એક બળદનું તો દીપડાએ મારણ કર્યું છે. તો એક બળદથી વાવેતર કઈ રીતે કરવું ? અમારી સરકાર પાસે માંગ છે કે અમને સમયસર સહાય ચૂકવે.
અધિકારીઓએ હાથ ઉંચા કરી દીધા
આ બાબતે જેતપુર ફોરેસ્ટ વિભાગના આરએફઓ પરેશ મોરડીયાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે હજુ સુધી સરકાર દ્વારા અમને ગ્રાન્ટ ચૂકવાય નથી અને અગાઉની ગ્રાન્ટ પુરી થઈ ગઈ છે. હવે નવી ગ્રાન્ટ સરકાર તરફથી આવશે ત્યારે ખેડૂતોને સહાય કે વળતર ચૂકવાશે. આ બાબતે તમે અમારા ડીસીએફ સાથે વાત કરો તેવો જવાબ આપી પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા હતા. આ બાબતે રાજકોટ ફોરેસ્ટ વિભાગના ડીસીએફ તુષાર પટેલ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે સરકાર તરફથી અમને પુરી ગ્રાન્ટ મળતી નથી માર્ચ માસમાં જ ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ કાપી લેવામાં આવી હતી અને મારણ જે વળતર ચૂકવવાના હોય તે રકમ બચી જ નહોતી એટલે આ ખેડૂતોને વળતર ચુકવાયુ નથી. હવે નવી ગ્રાન્ટ આવશે ત્યારે ખેડૂતોને સહાય કે વળતર ચૂકવાસે, તેવો જવાબ આપવામાં આવ્યો હતો.



