ખાસ-ખબર સંવાદદાતા
હાલ રાજ્યમાં ઠેર ઠેર ઠંડી પડી રહી છે જેથી લોકો રાત્રે તથા વહેલી સવારે ઘરેથી નીકળવાનું ટાળી રહ્યાં છે ત્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના સાત ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી દિવસે વીજ પુરવઠો આપવા માંગ કરી છે. માળીયા તાલુકાના જુના ઘાંટીલા, ખાખરેચી, મંદરકી, રોહીશાળા, વેજલપર સહિતના ગામના ખેડૂતોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે, હાલ શિયાળાની ઋતુ હોવાથી રાત્રે ભયંકર ઠંડી પડે છે અને રાત્રે પાણી આવવાથી જમીન અંદર રહેલા જીવ જંતુ બહાર આવવાથી અંધારામાં ખેડૂતોને ભય રહે છે. સરકારની સૂર્યોદય યોજના મુજબ ખેડૂતને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાનું આયોજન કરવામાં આવ્યું છે તે સ્કીમનો અમલ કરાવી વેજલપુર ફીડરમાં આવતા ગામો જેવા કે જુના ઘાટીલા, ખાખરેચી, મંદરકી, રોહીશાળા અને વેજલપર સહિતના ગામોને ખેતી માટે દિવસે વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરી હતી. આ સાથે વધુમાં જણાવ્યું છે કે, લોડ સેટીંગ કરવાના બહાને બે-બે કલાક વીજળી કાપી નાખવામાં આવે છે જેથી ખેડૂતોને હેરાનગતિ થાય છે જેથી તે અંગે પણ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. ચાલુ માસમાં તા. 9 અને 14 ના રોજ ખેડૂતોને વીજળી આપવામાં આવી નથી તેમ પણ આવેદનમાં અંતમાં જણાવ્યું છે.