ભારે વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છિનવી લીધો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત મહિના દરમિયાન થયેલ વરસાદને લીધે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયાં હતાં જેને લઇ ખેતરોમાં વાવેતર કરેલ કપાસના પાકને નુક્સાન થયું હતું. જે બાદ મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોને થોડા અંશે બચેલા કપાસના પાકથી પોતાની સુઝણનો ખર્ચ કાઢી શકે તેવી આશા હતી પરંતુ કુદરતને આ પણ મંજૂર નહિ હોય તે પ્રકારે ફરીથી છેલ્લા ચારેક દિવસથી સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ તમામ વિસ્તારોમાં દરરોજ સાંજે સમયે વરસાદ શરૂ થતાં હવે ખેડૂતોને કપાસનો પાક સાવ નિષ્ફળ રહ્યો છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાવાને લીધે ઊભો પાક બળી ગયો છે
- Advertisement -
તો કેટલાક વિસ્તારોમાં તૈયાર થયેલ કપાસના જીંડવામાં વરસાદી પાણીના લીધે કપાસિયા ઉગી નીકળ્યાં હતાં જેથી ખેડૂતોને મોઢામાં આવેલ કોળિયો કુદરતે છિનવી લીધો હોય તેવો ઘાટ સર્જાયો છે. આ તરફ સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકશાની અંગે સર્વે કરી વળતરની જાહેરાત બાદ સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાય વિસ્તારોમાં હજુય સર્વેની ટીમ પહોંચી નથી જેથી ખેડૂતોને વળતર મળશે કે નહિ તે પણ એક મોટો સવાલ ઉદભવ થયો છે. ત્યારે ખેડૂતો સાથે કુદરતે કરેલી મઝાક બાદ સરકારે વળતર આપવાની જાહેરાત કરી મઝાક જ કરી હોવાનું ખેડૂતો દ્વારા જણાવાયું છે.