નગરપાલિકાની પાણીની પાઇપલાઇન નાખવા સામે 13 ગામના ખેડૂતોએ ભારે રોષ વ્યક્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
- Advertisement -
રાજુલા-જાફરાબાદ શહેરને ધારેશ્વર ગામ નજીક આવેલ ધાતરવડી-1 ડેમમાંથી પીવાનું પાણી મળે છે. નગરપાલિકા દ્વારા પાઇપલાઇન નાખવાનો વિરોધ ઉગ્ર બન્યો છે. અહીં ધાતરવડી ડેમ-1 નીચે આવતા 13 ગામના ખેડૂતોએ પાણીની પાઇપલાઇન નાખવા માટેની કામગીરી ચાલતી હોવાથી ખેડૂતોએ વિરોધનો વંટોળ શરૂ કર્યો હતો. ત્યારે પાઇપલાઇન નાખવા સામે તેર ગામ ખેડૂત સમિતિના ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ધારેશ્વર ગામે બપોરે મોટી સંખ્યામાં આસપાસના 13 ગામના ખેડૂતો એકઠાં થઈ સંમેલન યોજાયું હતું. સાથેસાથે ખેડૂત પરીવાર મહિલાઓ પણ જોડાયાં હતાં. અહીં આ સંમેલનમાં ખેડૂત નેતા રાજુભાઇ કરપડા પણ ઉપસ્થિત રહ્યા હતાં. અને ખેડૂતો ઉપસ્થિત રહીને ભારે રોષ સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ખેડૂતોએ વિશાળ સભા યોજી રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. મળતી માહિતી મુજબ ધારેશ્વર ગામ નજીક આવેલ ધાતવરડી ડેમ-1 1972 માં ખેડૂતો માટે સિંચાઈ માટે બનાવવામાં આવ્યો હતો. અગાઉ રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાને પાણી આપવામાં અહીંથી આવ્યું હતું. ફરીવાર નગરપાલિકાનેં પાણી આપવા માટે પાણીની પાઇપલાઇન નાખવા માટેની કામગીરી ચાલતી હોવાથી ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે. અહીં ડેમ નીચે આવતા 13 ગામડાના ખેડૂતોની પગલાં સિમિતી દ્વારા નગરપાલિકાની પાઇપલાઇન નહીં નાખવા દેવા માટે વિરોધ શરૂ કર્યો છે. થોડા દિવસો પહેલા પ્રાંત અધિકારી અને ખેડૂતો વચ્ચે બેઠક મળી પરંતુ આ બેઠક નિષ્ફળ નિવડી હતી. જેને લઇને આજે ખેડૂતો ભેગા થયા છે. ખેડૂત નેતા રાજુભાઇ કરપડાની આગેવાની સાથે વિશાળ સભા યોજી રેલી સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. અને તહેવારને લઇ અધિક કલેક્ટરનું જાહેરનામું બહાર પાડ્યું છે. હાલમાં અમરેલી અધિક કલેક્ટરનું જાહેરનામું શરૂ છે. જેમાં સરઘસ, સભા કે રેલી મંજૂરી વગર કરી શકાય નહીં. જેના માટે મોડીરાતે મામલતદારની ટીમ દ્વારા ધારેશ્વર ગામમાં પહોંચી સરકારી દ્વારા માઇક મારફતે જાહેરનામા અંગે માહિતીઓ આપવામાં આવી હતી. જેના કારણે ખેડૂતોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે બપોરે ધારેશ્વર ગામના ખેડૂત આગેવાન દિલીપભાઇ સોજીત્રા દ્વારા કેનાલ પાસે ઉભા રહી વીડિયો જાહેર કરતા કહ્યું કે, ધાતવરડી ડેમ-1 13 ગામડા ખેડૂતોએ બચાવવા અભિયાનમાં જોડાવા માટે ખેડૂતોનું સંમેલન રાખ્યું છે. નગરપાલિકા દ્વારા પાઇપલાઇન ડેમમાં નાખવામાં આવે છે તો તેનો વિરોધમાં આંદોલન છે. રાજુભાઇ કરપડા પણ ઉપસ્થિત રહેવાના છે.
આપણી જીવાદોરી બચાવવા માટે આપડે પ્રયાસ કરવો જોઈએ જેથી હું ખેડૂતોને અપીલ કરું છું તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાનો ચાર્જ ધરાવતા ભાવનાબેન ગૌસ્વામીએ વીડિયો જાહેર કરતા કહ્યું કે, કેટલાક અસામાજિક ઈસમો દ્વારા રાજુલા તાલુકાના ખેડૂતોમાં ખોટી અફવાઓ ફેલાવી છે આવા ઈસમો દ્વારા એવી અફવા ફેલાવી છે નગરપાલિકાની પાઇપલાઇન નાખવાના કારણે ચીંચાઈને મળતું પાણી બંધ થશે. આ તદ્દન વાત ખોટી છે ખેડૂતોમાં ભય ફેલાવવામાં આવી છે. ખેડૂતોને માંગણી મુજબ પાણી મળતું રહેશે અને નગરપાલિકાની નવી લાઇન નાખવાની છે.
ખેડૂતોના હકનું પાણી છીનવાશે નહિ. શાંતિપૂર્ણ અમે સાચી હકીકત સમજાવવા અપીલ કરીયે છીએ. ત્યારે સમગ્ર બાબતે મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. અને વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે..