પીજીવીસીએલની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ, પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળો પર હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
- Advertisement -
યાત્રાધામ વીરપુરમાં મેવાસા રોડ નજીક સીમ વિસ્તારમાં ખેતરમાં શાકભાજી ઉતારતા ખેડૂત ભીખુભાઈ વઘાસીયા પર અચાનક 11સટ જીવંત વીજ વાયર પડતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટના બાદ તાત્કાલિક અન્ય ખેડૂતોની મદદથી ભીખુભાઈને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. આ બનાવને પગલે વીરપુર વિસ્તારમાં પીજીવીસીએલની બેદરકારી અંગે ખેડૂતોમાં ભારે રોષ છે. વર્ષો જૂના વીજપોલ અને વીજ વાયરોને કારણે પંથકમાં વારંવાર આવાં બનાવો બનતા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ખેડૂત ભીખુભાઈ વઘાસીયા પોતાની વાડીએ શાકભાજી ઉતારતા હતા ત્યારે અચાનક ચાલુ વીજ વાયરો તેમના પર પડ્યો હતો. તે સમયે નજીકમાં રહેલા ખેડૂત રમેશભાઈ સોરઠીયાએ મદદ માટે અન્ય ખેડૂતોને બોલાવી વાયર દૂર કર્યો અને ભીખુભાઈને તાત્કાલિક સારવાર માટે ગોંડલ ખસેડ્યા હતા. વીરપુર પંથકમાં અનેક વીજ ફીડરો પર દાયકાઓ જૂના વિજપોલ અને વાયરોને કારણે ખેડૂતો વારંવાર જીવના જોખમે ખેતી કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે તંત્ર સત્વરે આ જર્જરીત વ્યવસ્થા બદલે અને આવી દુર્ઘટનાઓ અટકાવે.
પ્રી-મોન્સૂન કામગીરી કાગળો પર જ!
વીરપુર 66સટ સબસ્ટેશનમાંથી કાગવડ, આહાબા, મેવાસા, ચરખડી, પ્રેમગઢ અને જલીયાણ સહિતના ફીડરોમાં મોટા ભાગે 35-40 વર્ષ જૂના વીજપોલ અને વાયરો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રી-મોન્સૂન કામગીરી કાગળો પર જ દેખાડવામાં આવી છે. ભૂતકાળમાં પણ ખેડૂતો પર જીવંત વાયર પડવાના બનાવો થયા છે, છતાં પીજીવીસીએલ અધિકારીઓ વિરુદ્ધ હજી સુધી પગલાં લેવામાં આવ્યા નથી.



