MPમાં સિમેન્ટથી ભરેલી ટ્રક વાન પર પલટી, મૃતકોમાં 3 મહિલા, 4 બાળક સામેલ; વાનનાં ચીંથરાં ઊડી ગયાં
મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.04
મધ્યપ્રદેશના ઝાબુઆમાં, ગઈ મોડીરાત્રે ટ્રક સાથે અથડાતાં ઓમ્ની વાનમાં મુસાફરી કરી રહેલા 9 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માત ભવપુરા ગામ નજીક કલ્યાણપુરામાં થયો હતો, જેમાં 4 બાળક, 3 મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે. અકસ્માત સર્જી ટ્રકચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
મૃતકોમાં મુકેશ ખાપેડ (40), તેની પત્ની સાવલી (35), પુત્ર વિનોદ (16), પુત્રી પાયલ (12), માધી બામણીયા (38), વિજય બામણિયા (14), કાંતા બામણિયા (14), રાગિણી બામણિયા (9) અને અકાલી પરમાર (35)નો સમાવેશ થાય છે. પાયલ પરમાર (19) અને 5 વર્ષીય આશુ બામણિયાને ઈજા થઈ હતી અને તેમને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ટ્રક નિર્માણાધીન પુલ પાસે ઓમ્ની વાનને કચડી નાખી હતી. વાનમાં સવાર તમામ લોકો મેઘનગર તાલુકાના શિવગઢ મહુડાના રહેવાસી હતા. થાંદલા અને મેઘનગર પોલીસની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલો અને મૃતકોને થાંડલા સિવિલ હોસ્પિટલ અને મેઘનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
- Advertisement -
ઝાબુઆના એસપી પદમ વિલોચન શુક્લાએ જણાવ્યું હતું કે ‘મેઘનગર નજીક સિમેન્ટથી ભરેલી ટ્રક પલટી ગઈ અને ઓમ્ની વાન પર પડી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે બે ઘાયલ થયા છે. આ ઘટના મંગળવાર-બુધવાર રાત્રે લગભગ 3 વાગ્યે બની હતી.’ એવું માનવામાં આવી રહ્યું છે કે ઈકો કારમાં સવાર તમામ લોકો એક લગ્ન સમારોહમાંથી પાછા આવી રહ્યા હતા. આ દરમિયાન મેઘનગર વિસ્તારમાં રાત્રે લગભગ 3થી 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.