ભેંસો ખેતરમાં ઘૂસી જતી હોય ઠપકો આપતા ઉશ્કેરાયેલા કૌટુંબિક ભત્રીજાએ છરીના ઘા ઝીંક્યા
ખાસ-ખબર સંવાદદાતા
માળીયા મિંયાણાના કોબા વાંઢ વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા ઈશાભાઈ હબીબભાઈ મોવર (ઉ.વ.49) એ તેમના કૌટુંબિક ભત્રીજા શાહરુખ યુસુફભાઈ મોવર સામે માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી ઈશાભાઈ હબીબભાઈ મોવર અને આરોપી શાહરુખ યુસુફભાઈ મોવરના એક જ શેઢે બાજુબાજુમાં ખેતર આવેલા છે. ગઈકાલે ફરિયાદી ઈશાભાઈ તેમના પુત્ર અને પત્ની સાથે તેમના ખેતરમાં ખેતીકામ કરતા હતા ત્યારે પુત્ર હબીબ ખેતરે ટ્રેક્ટર ચલાવતો હતો અને હબીબે બાજુના ખેતરમાં ભેંસો ચરાવતા શાહરુખ મોવરની ભેંસો તેમના ખેતરમાં ચરવા આવી હતી આથી હબીબે આરોપી શાહરુખ મોવરને કહ્યું હતું કે, તમારી ભેંસો અમારા ખેતરમાં ઘુસી ગઈ છે અને કપાસ સહિતના પાકને નુકસાન કર્યું છે જ્યારે અમારી ભેંસો તમારા ખેતરમાં આવી હતી ત્યારે તમારા પિતાજી યુસુફભાઈએ ભારે ઠપકો આપ્યો હતો. આ વાત સાંભળીને ઉશ્કેરાયેલા આરોપી શાહરુખ મોવરે ફરિયાદીના યુવાન પુત્ર હબીબને ગળાના ભાગે છરી મારી તેમજ ફરિયાદીના પત્ની ઝરીનાબેનને પણ છરીના ઘા ઝીંકી દીધા બાદ બંનેને સારવાર અર્થે મોરબી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં બંને માતા-પુત્રના મોત નિપજતા ડબલ મર્ડરના આ બનાવની ફરિયાદ નોંધાતા માળીયા મિંયાણા પોલીસે તપાસ હાથ ધરી છે.