નિર્દોષોને ખોટા કેસમાં ફસાવવાથી બચાવવા જોઈએ
ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે એક મામલામાં મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે પુરુષ પર બળાત્કારનો ખોટો આરોપસ્ત્રી પર બળાત્કાર જેટલો જ ભયાનક અને પીડાદાયક છે. નિર્દોષોને ખોટા કેસમાં ફસાવવાથી બચાવવા જોઈએ. કોર્ટે કહ્યું કે આવા મામલામાં કોર્ટની ફરજ છે કે તે દરેક પાસાને ધ્યાનથી અને બારીકાઈથી તપાસે. જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે એક મામલાની સુનાવણી કરતી વખતે અવલોકન કર્યું હતું કે જયારે કોઈ આરોપી આ આધાર પર એફઆઈઆર રદ્દ કરવા માટે કોર્ટનો સંપર્ક કરે છે ત્યારે આવી કાર્યવાહી સ્પષ્ટ રીતે પરેશાની પેદા કરે છે અને આવા સંજોગોમાં કોર્ટ એફઆઈઆર ધ્યાનથી જુએ. ખંડપીઠે કહ્યું, એ વાતને અવગણી શકાય નહીં કે બળાત્કાર પીડિતાને અસહ્ય વેદના અને અપમાન સહન કરવું પડે છે, પરંતુ તે જ સમયે બળાત્કારનો ખોટો આરોપ આરોપી માટે સમાન વેદના, અપમાન અને નુકસાનનું કારણ બની શકે છે.
- Advertisement -
બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાથી વ્યક્તિને બચાવવાની જરૂર છે. કોર્ટે કહ્યું કે ફરિયાદીએ સુનિશ્ચિત કરવું પડશે કે ફરિયાદમાં આપેલા નિવેદનો એવા હોય કે કથિત ગુનાનો કેસ નક્કર બની શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટની ફરજ છે કે તે કેસના રેકોર્ડમાંથી જે દેખાય છે તે સિવાયના સંજોગો પર ધ્યાન આપે અને સમગ્ર કેસને યોગ્ય રીતે તપાસે અને તથ્યોને સમજવાનો કાળજીપૂર્વક પ્રયાસ કરે. ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના મિર્ઝાપુર પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરુદ્ધ નોંધાયેલી બળાત્કાર અને ગુનાહિત ધમકીની એફઆઈઆર રદ કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી. અગાઉ, આરોપીએ અલાહાબાદ હાઈકોર્ટમાં તેની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને રદ કરવા માટે અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી.