પોલીસે આખી ફેક્ટરી સીલ કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
ઉતરાયણ પર્વ દરમ્યાન ચાઇનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે અને પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ છે. એસઓજી પોલીસની ટીમે પાંડેસરા વિસ્તારમાં રેડ કરીને 2.18 કરોડ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. સુરત એસઓજી પોલીસની ટીમે પાંડેસરા સ્થિત એન્જલ મોનોફિલામેન્ટ કંપનીના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા ગોડાઉનમાં રેડ કરી હતી. પોલીસે કંપનીમાં તપાસ કરતા ચાઇનીઝ દોરી તથા તેને બનાવવાનું રો મટીરીયલ મળી કુલ્લે 2,18,06,750 રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ દરોડા દરમિયાન, પોલીસે કંપનીના મેનેજર પ્રમોદ ભગવાન મંડલની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મનુષ્ય અને પક્ષીઓ માટે જોખમી એવી આ પ્રતિબંધિત દોરી બજારમાં પહોંચે તે પહેલાં જ પોલીસે આ સફળ કાર્યવાહી કરીને સરાહનીય કામગીરી કરી છે. એસ.ઓ.જી. ના ડીસીપી રાજદીપ સિંહ નકુમએ જણાવ્યું હતું કે એસ.ઓ.જી.પોલીસને માહિતી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં ચાઇનીઝ દોરીની એક ફેક્ટરી ચાલે છે. જેથી એસ.ઓ.જી.પોલીસની ટીમે ત્યાં રેડ કરતા ટોટલ 2 કરોડ 18 લાખનો ચાઇનીઝ દોરીનો મુદામાલ મળ્યો છે. આખી ફેક્ટરી સીલ કરવામાં આવી છે. પાંડેસરા પોલીસની ટીમ સાથે અહી રેડ કરવામાં આવી હતી. હાલમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી છે. આ કંપની એન્જલ મોનોફિલામેન્ટના નામે હતી અને તેના મેનેજર પ્રમોદ ભગવાન માંડલ છે. અને તેના માલિક કતારગામ ખાતે રહેતા સંજય ઠાકરશીભાઈ ડુંગરાણી છે. એફ.એસ.એલ.ની ટીમને બોલાવવામાં આવી છે અને તેમાં કયો દોરો અને માનવ જીવનને હાનિ થઈ શકે કે કેમ અને જીપીસીબીની ટીમ અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગને જાણ કરવામાં આવી છે. આ તમામ વિભાગો વિઝિટ કરીને રિપોર્ટ આપશે ત્યારબાદ આગળ બીએનએસની કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે અગાઉ આ જગ્યાએ ઝોન 4 એલસીબી ની ટીમે રેડ કરી હતી. આ લોકોએ અઠવાડિયા અગાઉ જ પ્રોડક્શન ચાલુ કર્યું હતું અને એસ.ઓ.જી. પોલીસને બાતમી મળતા ત્યાં રેડ કરવામાં આવી હતી. હાલમાં આ મામલે સંપૂર્ણ તપાસ બાદ ગુનો દાખલ કરવામાં આવશે