એક નવો-સવો સાધક બનેલો માણસ એક સંત પાસે ગયો.
-ડૉ. શરદ ઠાકર
એણે પોતાની મુશ્કેલી રજૂ કરી, “ગુરુદેવ, હું મારા ઘરના એકાંત ઓરડામાં બેસીને ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું, પરંતુ મારા ઘરમાં સતત ચાલતા રહેતા જાત-જાતના શોર-બકોરને કારણે હું મનની એકાગ્રતા કેળવી શકતો નથી. જો આપ રજા આપો તો હું થોડાક દિવસો માટે આપના આશ્રમમાં આવેલી એક સાધના કુટિરમાં બેસીને એકાંતમાં ધ્યાન, સાધના અને મંત્ર-જાપ કરી શકું.”
સંત માર્મિકપણે હસ્યા. એમણે અનુમતિ આપી દીધી. બીજા દિવસથી તે સાધક આશ્રમની એકાંત કુટિયામાં બેસીને ધ્યાન કરવા લાગ્યો. સ્વચ્છ કુટિર હતી, સહેજ પણ અવાજ વગરનું એકાંત હતું, ભગવાનની મૂર્તિ હતી અને ધૂપસળીની સુગંધ હતી.
ધ્યાનમાં મગ્ન સાધકના નાકમાં અચાનક દિવ્ય સુગંધનો પ્રવેશ થયો. તેણે આંખો ઉઘાડીને જોયું તો આ સુગંધ બળતી અગરબત્તીમાંથી આવી રહી હતી. સાધક વિચારમાં સરી પડ્યો : “વાહ, કેટલી દિવ્ય મહેક! અગરબત્તી તો મારા ઘરમાં પણ છે પરંતુ એની સુગંધ આવી નથી. જો હું આ મહાત્મા પાસેથી અનુમતિ મેળવીને આ દિવ્ય સુગંધ ધરાવતી અગરબત્તીઓનાં પેકેટ્સ જથ્થાબંધ ખરીદી લઉં અને એનું છૂટક વેચાણ ચાલુ કરું તો હું કેટલો બધો નફો કમાઈ શકું?” પછી તો ધ્યાન અને મંત્ર-જાપ એકતરફ રહી ગયા અને એ માણસ ધૂપસળીનો ધંધો કેવી રીતે જમાવવો એના વિચારમાં મગ્ન થઈ ગયો.
- Advertisement -
પૂરા બે કલાક પછી કુટિરનાં દ્વાર ખોલીને સંત-મહાત્મા અંદર પધાર્યા. એમણે પૂછ્યું, “વત્સ, ધ્યાન કેવું રહ્યું? અહીં તો કોઈ વિક્ષેપ થાય એવું વાતાવરણ નથી ને? તારા ઘરમાં તો બહારનો શોર-બકોર તને બહુ નડતો હતો.”
સંતના પ્રશ્ર્નમાં રહેલો કટાક્ષ તે સાધક સમજી ગયો. તેણે બે હાથ જોડી અને કબૂલ્યું, “ગુરુદેવ, મને બધું સમજાઈ ગયું છે. આપણી એકાગ્રતાનો ભંગ કરનાર પરિબળો બહારથી નથી આવતાં પણ આપણી ભીતરમાંથી જ આવે છે.”
મિત્રો, આપણાં બધાની દશા પેલા સાધક જેવી જ છે. નાની-નાની વાતમાં આપણું ધ્યાન હટી જાય છે. બાકી જો તીવ્ર ઈચ્છાશક્તિ હોય, લગન હોય અને સાક્ષીભાવ કેળવાયેલો હોય તો તમે ભીડ-ભાડવાળા મેળામાં કે માણેક ચોકમાં બજારની વચ્ચે ઊભા રહીને પણ ધ્યાન કરી શકો છો.