રાજકોટ-દ્વારકા અને રાજકોટ-ભાવનગર વચ્ચે 7મેએ ત્રણ જોડી ‘પરીક્ષા સ્પેશિયલ’ ટ્રેનો દોડશે
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી 7મેને રવિવારના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે મુસાફરોની સુવિધા મળી રહે તે માટે પશ્ચિમ રેલવેએ આગામી 7મેને રવિવારના રોજ રાજકોટ-દ્વારકા અને રાજકોટ-ભાવનગર વચ્ચે એક દિવસ માટે વિશેષ ત્રણ જોડી ‘પરીક્ષા સ્પેશિયલ’ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોના તમામ કોચ અનરિઝર્વ્ડ એટલે કે જનરલ કોચ હશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા મુજબ, રાજકોટ-દ્વારકા-રાજકોટ માટે રાજકોટથી સવારે 06.30 કલાકે ઉપડશે અને સવારે 10.45 વાગ્યે દ્વારકા પહોંચશે. જ્યારે આ ટ્રેન દ્વારકાથી બપોરના 2.50 વાગ્યે ઉપડશે અને 6.40 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં આવતા અને જતા સમયે હાપા, જામનગર અને ખંભાળિયા સ્ટેશનો પર ઉભી રહેશે.
જ્યારે ભાવનગર-રાજકોટ-ભાવનગર સુપરફાસ્ટ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સવારે 04.10 વાગ્યે ઉપડશે અને સવારે 08.50 વાગ્યે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે રાજકોટથી સાંજે 4.45 વાગ્યે ઉપડશે અને રાત્રે 9.40 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, રાણપુર, લીંબડી, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઉભી રહેશે.
રાજકોટ-ભાવનગર-રાજકોટ સુપરફાસ્ટ ટ્રેન રાજકોટથી સવારે 4.15 વાગ્યે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ સવારે 09.25 વાગ્યે પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી 3.30 વાગ્યે ઉપડશે અને 8.30 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પેરા સ્ટેશનો પર ઉભી રહેશે.