બોરનો કેબલ, ફેન્સિંગ તોડી નાખી, શાકભાજી ઉખેડી નાખી, ધમકી દીધાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ધોરાજીની સીમમાં સેઢા પ્રશ્ને ડખો થયાં બાદ બોરનો કેબલ તોડી, શાકભાજી ઉખેડી નાંખી ધમાલ મચાવનાર બંને પક્ષના 14 શખ્સો વિરુદ્ધ સામસામે ફરીયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢના વડાલ ગામે રહેતાં અને ખેતીકામ કરતા રમેશભાઈ રવજીભાઈ સુખડીયા ઉ.65એ જયસુખ માવજી વઘાસિયા, નિલેશ કાનજી ઘાસિયા, જયેશ વલ્લભ વઘાસિયા, ભાવેશ વલ્લભ વઘાસિયા, દિલ્લો ટ્રેક્ટર, વિજય વલ્લભ વઘાસિયા, કેલ્વિન વિજય વઘાસિયા, આકાશ રતિલાલ વઘાસિયા, વિજય કુરજી સાંકળિયા, કરણ દેવશી જાદવ, મૌલિક ગોવિંદ જાદવ, ખુશાલ હમીર ભરાઈ અને અરવિંદ માધા મોણપરા સામે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે ધોરાજી-જામકંડોરણા રોડ પર તેમના નાનાભાઈ વિનોદભાઈ સુખડીયાના નામે એક એકર જમીન આવેલ છે, જે જમીનની પાવર ઓફ એટર્ની તા.17/10/2025 થી ફરીયાદીને તેમના ભાઇ વિનોદભાઇએ કરી આપેલ છે ગઇ તા.12/10/25ના રોજ તે ખેતરે હતાં ત્યારે બાજુના ખેતરવાળા જયસુખ વઘાસીયા તથા તેમના ઓળખીતા અન્ય આરોપીઓ જમીનમા થઈને તેની જમીનના વિનોદભાઈના કબ્જાની બોર (રિંગદાર) વાળી જમીન આવેલ છે તે જમીનમા ફરીયાદીએ શાકભાજી વાવેલ હતુ, તેમાથી તેઓ શાકભાજી ઉતારતાં હતો ત્યારે તમામે આવી જગ્યા માપવા લાગ્યા હતાં જેથી તેને ના પાડી કહેલ કે, આ જગ્યા વિનુભાઈની છે, તમારી નથી જેથી બધા ઉશ્કેરાઈ ગયેલ અને કહેવા લાગેલ કે, અહીંથી જતો રહે નહીતર પતાવી દેસુ કહીં વાવેલુ શાકભાજી ઉખાડી નાખેલ અને બન્ને જમીનની હદ અલગ થાય તે રીતે બાણ ખોડેલા હતા તે બાણ ઉખાડી નાખ્યા હતાં. જેથી તે મોબાઇલમા વિડીયો ઉતારવા લાગ્યા હતા જેથી તેઓને વિડીયો બનાવતા રોકવા માટે પાછળથી પકડી લેતા મોબાઇલ નિચે પડી ગયો હતો અને તેમને પણ નિચે પાડી દીધા હતાં બાદમાં ઢીકા-પાટુનો માર માર્યો હતો જેથી ત્યાં દેકારો થતા છોડી દીધા હતા બાદ તેઓ ઉભા થઇ ફરીથી મોબાઇલમા નુકશાની કરતા હોવાનો વિડીયો ઉતારી લીધો હતો જમીનમા 15થી 17 જેટલા સફેદ પાઈપ તથા દસેક જેટલા કાળા પાઈપ કાઢી તોડી નાખ્યા હતા આનું બધુય તોડી નાખીએ તેમ કહી ગાળો દેતા હતા તેમજ જમીનમા આવેલ બોરમા પાણી ખેંચવા માટેની સબમર્શિબલ મોટર પાવરનો કેબલ તથા કાળા ગેંડા સાથે હતી, જે બોરની બહાર ગેંડો આવતો હતો તે તોડીને બોરમા ઉતારી દીધો હતો અને પાવર સપ્લાઈનો કેબલ પણ કાપી નાંખી કુલ 95,400નું નુકશાન કર્યું હતું જેથી આ અંગે ફરીયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે ધોરાજીમાં જૂનાગઢ રોડ પર રહેતાં જયસુખભાઇ માવજીભાઇ વઘાસીયા ઉ.57એ રમેશ રવજી સુખડીયા સામે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓને માધવ પ્રોસેસ નામે પ્લાસ્ટિકનુ યાન બનાવવાનું કારખાનુ ધોરાજી-જામકંડોરણા રોડ પર 1 એકર જમીન પર આવેલ છે, જે જમીન વિજયભાઇ વઘાસીયા પાસેથી છ માસ પહેલા વેચાણ લિધેલી છે તેની પડોશમા વિનોદભાઈ સુખડીયાની જમીન આવેલ છે ગઇ તા.12/10 ના રોજ બપોરના સમયે તેઓ અને તેમના મિત્રો વિજયભાઇ વઘાસીયા, જયેશભાઇ વઘાસીયા, ભાવેશ વઘાસીયા તથા કેલ્વીનભાઈ તથા મારી જમીનના ભાગીદાર નિલેશભાઈ વઘાસીયા સહિતના લોકો જમીનમા ફેંસીંગ કરાવવા ગયા હતા, ત્યારે આ મારી જમીનની બાજુમા આવેલ જમીન માલિકના ભાઈ રમેશ સુખડીયા કહેવા લાગેલ કે, આ જમીન તમારી નથી, આ જમીન મારા ભાઈ વિનુભાઈની છે તમારે આ જમીનમા આવવાનો હક્ક નથી, પરંતુ આ જમીન છ માસ પહેલા વિજયભાઈ પાસેથી ખરીદ કરેલ ત્યારે તેઓએ દસ્તાવેજ કરી દિધેલ, જે દસ્તાવેજની ચતુ:દીશા મુજબ કબ્જો સોપેલ હતો. ફરીયાદી તે દિવસે બન્નેની જમીનની હદ અલગ થાય તે રીતે જુના બાણ નાખેલા હતા, તેના આધારે ફેસિંગ કરવા વાળા માણસોને બોલાવી ફેસિંગ કરાવેલ હતી ખેતીકામ કરવાનુ હોય અને શાકભાજી નડતુ હોય જેથી તે શાકભાજી કાઢી નાખતા આ રમેશ ઉશ્કેરાઈ જઈ કહેવા લાગેલ કે, આ શાકભાજી તમે કેમ ઉખાડી નાખેલ અને આ જમીન તમારા બાપાની નથી અને ગાળો આપવા લાગેલ અને કહેવા લાગેલ કે, તમે આ જમીન છોડી દો નહિતર, હુ તમારી ઉપર ખોટી ફરીયાદો કરીશ અને તમને ખોટા કેસમા ફસાવી દઈશ, તમારી વિરુધ્ધ સિવિલ કોર્ટમા ફરીયાદ કરીશ આ જમીનનો વર્ષો સુધી નિકાલ નહી આવવા દઉં તેમજ ફેસીંગના તાર તોડી નાખી જમીનમા ગેરકાયદે રીતે આવ-જા કરી જમીન પચાવી પાડવા માગતા હોય અને ગાળો આપી ખોટા કેસમા ફિટ કરી દેવાની ધમકી આપતાં ફરીયાદ નોંધાવી હતી સામસામી ફરીયાદ પરથી ધોરાજી તાલુકા પોલીસે 14 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



