જે ઉમેદવારોએ હજુ સુધી ફોર્મ નથી ભર્યા તેમના માટે સારા સમાચાર, પ્રાથમિકમાં જ્ઞાન સહાયક બનવા માટે 17 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ.
ગુજરાત સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત સરકારે જ્ઞાન સહાયકની 11 મહિનાના કરાર આધારિત ભરતીમાં કરેલા ઠરાવ સામે વિરોધ ઉઠ્યો છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેઓની માંગ છે કે જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. આ વચ્ચે જ્ઞાન સહાયક માટે ફોર્મ ભરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જ્ઞાન સહાયક માટે ફોર્મ ભરવાની મુદ્દતને લંબાવવામાં આવી છે. જે મુજબ હવે પ્રાથમિકમાં જ્ઞાન સહાયક બનવા 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે.
- Advertisement -
હવે 17મી સુધી ફોર્મ ભરી શકાશે
પ્રાથમિકમાં જ્ઞાન સહાયક બનવા માટે ઉમેદવારો 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકશે. પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક બનવા માટે સોમવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. પરંતુ પ્રાથમિકમાં ફોર્મ ભરવા માટેની મુદ્દતમાં વધારો કરાયો છે. પ્રાથમિક શાળા માટે સોમવાર સુધીમાં 18,598 ફોર્મ ભરાયા છે. શિક્ષણ વિભાગે 98 ટકા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનો દાવો કર્યો છે.
માધ્યમિક વિભાગમાં 19050 ભરાયા ફોર્મ
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂક કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક બનવા માટે 26 ઓગસ્ટથી ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 4 સપ્ટેમ્બરે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ તેની મુદ્દત 11 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. સોમવારે માધ્યમિક વિભાગમાં ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ જ્ઞાન સહાયક બનવા માટે 19050 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
પ્રા.વિભાગમાં સોમવાર સુધી 18598 ફોર્મ ભરાયા
તો પ્રાથમિક વિભાગમાં 2 સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થયા હતા, ફોર્મ ભરવાની છેલ્લી તારીખે 11 સપ્ટેમ્બર હતી. જોકે, મુદ્દત પૂર્ણ થવાના દિવસે એટલે કે ગઈકાલે મુદ્દતમાં વધારો કરાયો છે. હવે પ્રાથમિક વિભાગમાં 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાથમિક વિભાગમાં સોમવાર સુધીમાં 18598 જેટલા ઉમેદવારોના ફોર્મ ભરાયા છે.