સંજય મિશ્રાનો કાર્યકાળ લંબાવવા સુપ્રીમનો ઈનકાર: ઓગસ્ટ પહેલા નવા ડિરેક્ટરની નિમણૂકનો આદેશ
ખાસ-ખબર સંવાદદાતા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વડા સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ સતત ત્રીજી વખત લંબાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ગણાવ્યો છે અને તેમને ઓફિસ છોડી દેવા નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારને લપડાક લગાવતા સુપ્રીમ કોર્ટે ઈડીના વડા તરીકે આઈઆરએસ અધિકારી સંજય મિશ્રાનો કાર્યકાળ લંબાવવા કેન્દ્ર દ્વારા કરાયેલા બે જાહેરનામાને ’ગેરકાયદે’ ગણાવ્યા છે. જોકે, સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સુધારા) કાયદા, 2021 અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિસમેન્ટ (સુધારા) એક્ટ, 2021 તેમજ ફંડામેન્ટલ (સુધારા) રુલ્સ, 2021માં કરાયેલા સુધારાને જાળવી રાખ્યા છે.
- Advertisement -
આ સુધારા મારફત કેન્દ્ર સરકાર સીબીઆઈ અને ઈડીના વડાને પાંચ વર્ષનો કાર્યકાળ આપી શકશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ ત્રીજી વખત વધારવા મુદ્દે કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટે જોરદાર ઝાટકણી કાઢી હતી. ન્યાયાધીશો બીઆર ગવઈ, વિક્રમનાથ અને સંજય કરોલની બેન્ચે મંગળવારે સંજય મિશ્રાનો કાર્યકાળ ત્રીજી વખત લંબાવવાનો ઈનકાર કરી દીધો છે.
જોકે, કોર્ટે કેન્દ્ર સરકારની વિનંતીના પગલે આંતરરાષ્ટ્રીય એકમ એફએટીએફની સમીક્ષા અને કામકાજના સુચારુરૂપે સંચાલનના સંબંધમાં કેન્દ્ર સરકારની ચિંતાઓને ધ્યાનમાં રાખતં સંજય મિશ્રાને 31મી જુલાઈ સુધી તેમના પદ પર રહેવાની મંજૂરી આપી છે. એફએટીએફ એક વૈશ્વિક સંસ્થા છે, જે મની લોન્ડરિંગ, આંતકવાદ અને તેમને નાણાંના ધીરાણ પર કાયદાકીય પગલાં લે છે.
ન્યાયાધીશ બીઆર ગવઈના અધ્યક્ષપદે બેન્ચે જણાવ્યું હતું કે, સંજય મિશ્રાનો કાર્યકાળ 22 નવેમ્બર પછી લંબાવવાની કોઈ જરૂર નહોતી. સુપ્રીમ કોર્ટે 2021ના રોજ તેના ચૂકાદામાં કહ્યું હતું કે મિશ્રાનો કાર્યકાળ વધુ લંબાવી શકાય નહીં. સંજય મિશ્રાનો કાર્યકાળ 17 નવેમ્બર, 2021 અને 17 નવેમ્બર 2022ના રોજ લંબાવાયો હતો. બંને વખત તેમનો કાર્યકાળ એક-એક વર્ષ લંબાવાયો હતો, જે ગેરકાયદેસર છે. સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો ના હોત તો વર્ષ 1984ની બેચના આઈઆરએસ અધિકારી સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ વિસ્તરણ પછી નવેમ્બર 2023માં સમાપ્ત થયો હોત.