ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા એવી ચોખવટ કરવામાં આવી છે કે વર્તમાન સમયમાં સ્ટીલ પરથી નિકાસ ડયૂટી હટાવી શકાય એમ નથી અને સરકાર અત્યારે આવું કોઈ પગલું લેવા માગતી નથી. સરકાર માને છે કે અત્યારે તેના માટે યોગ્ય સમય અને પરિસ્થિતિ નથી.
થોડા દિવસ પહેલા જ સ્ટીલની નિકાસ કરનારી કંપ્નીઓ દ્વારા નાણા મંત્રાલય સમક્ષ ડ્યુટી હટાવી દેવાની માગણી જોરશોરથી કરવામાં આવી હતી પરંતુ નાણા મંત્રાલય દ્વારા એમ જણાવવામાં આવ્યું છે કે નાના ઉદ્યોગ સાહસિકોને રાહત આપવા માટે અત્યારે આ પગલું લઈ શકાય એમ નથી.
- Advertisement -
રશિયા અને યુક્રેનના યુદ્ધને પગલે સ્ટીલના ભાવમાં ભારે વધારો થઇ ગયો છે અને તેને જોઈને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીલની નિકાસ પર 15 ટકા જેટલી ડયુટી લગાવી દેવામાં આવી હતી જેથી સ્વદેશમાં નાના ઉદ્યોગ સાહસિકોને રાહત મળી શકે.
ત્યારબાદ નિકાસ કરતી કંપ્નીઓ દ્વારા પ્રતિનિધિમંડળો બનાવીને નાણાં મંત્રાલય સમક્ષ આ પ્રકારની ડયુટીને હટાવી દેવાની અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી અને રૂબરૂ મળીને પણ વિનંતી કરવામાં આવી હતી પરંતુ નાણા મંત્રાલય દ્વારા સાફ ઇનકાર કરી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી પરિસ્થિતિ સાનુકૂળ બને નહીં ત્યાં સુધી કેન્દ્ર સરકાર આવું કોઈ પગલું ભરવા માગતી નથી અને નજીકના ભવિષ્યમાં પણ આવું કોઈ પગલું લેવાય તેવી શક્યતા નથી.