રાજકોટ જિલ્લાના નિકાસકારો માટે વિધેયાત્મક વાતાવરણ પૂરું પાડવાની જિલ્લા કલેકટરએ વ્યક્ત કરેલી નેમ
રાજકોટ – રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં લોધીકા જીઆઇડીસી ખાતે એક્સપોર્ટ કોન્ક્લેવ યોજાયો હતો, જેમાં ૨૦૭ એક્સપોર્ટર્સ સામેલ થયા હતા.
“આઝાદીકા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત ૨૪થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ઉજવાઇ રહેલા “વાણિજ્ય સપ્તાહ” અંતર્ગત લોધિકા જિ.આઇ.ડી.સી.મેટોડા ખાતે યોજાયેલા આ એક્સપોર્ટ કોન્ક્લેવમા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ ઉપસ્થિત એક્સપોર્ટ ક્ષેત્રના દિગ્ગજોને સંબોધતા જણાવ્યું હતું કે એક્સપોર્ટ ક્ષેત્રે પ્રગતિ કરી રહેલા રાજકોટ જિલ્લાની નિકાસ આધારિત પ્રોડક્ટસ માટે ખૂબ મોટું માર્કેટ વિશ્વ સ્તરે ઉપલબ્ધ છે, ત્યારે રાજકોટ જિલ્લાને ભારતનુ એક્સપોર્ટ હબ તરીકે પ્રસ્થાપિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર શક્ય તમામ સહયોગ પુરો પાડશે અને કોઈ પણ ક્ષેત્રમાં નિકાસ સંબંધિત અગવડો પ્રત્યે સરકારનુ હંમેશા વિધેયાત્મક વલણ રહેશે.
- Advertisement -

એક્સપોર્ટના પ્રમોશન માટે તમામ ઉદ્યોગકારોને આગળ આવવા માટે જિલ્લા કલેકટરે ઇજન પાઠવ્યુ હતું. અને નિકાસના ક્ષેત્રે રાજકોટને સર્વોત્તમ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.

- Advertisement -
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટ તથા જી.આઇ.ડી.સી લોધિકા ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન દ્વારા સંયુક્તપણે મેટોડા ખાતે આયોજિત આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્યથી ઉદ્ઘાટન થયા બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી.મોરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.આમંત્રિતોનુ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

નિકાસ ક્ષેત્રના અગ્રણીઓ વિનેશ પટેલ, જયંતિભાઈ સરધારા, ધનસુખભાઈ વોરા, પાર્થ ગણાત્રા અને જય ચંદારાણાએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી નિકાસ ક્ષેત્રની વિવિધ તકો વિશે માર્ગદર્શન આપ્યું હતું.

જ્યારે નિકાસ ક્ષેત્રમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તથા નિકાસલક્ષી વસ્તુઓના ઉપલબ્ધ બજાર વિશે ડી.જી.એફ.ટી.ના જોઇન્ટ ડાયરેક્ટર અભિષેક શર્માએ વિગતવાર માહિતી રજૂ કરી હતી.



