અમારૂં અકુદરતી મૃત્યુ થશે તો લાભુ છૈયા, રમેશ સાટોડિયા, નરોત્તમ વાઢેર, પ્રફુલ સોલંકી જવાબદાર રહેશે
ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક લોકોને નકલ મોકલી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કોઠારીયા ગામમાં રહેતા શૈલેષભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુને વ્યાજખોરો દ્વારા ધાકધમકી સાથે અસહ્ય ત્રાસ મળી રહ્યાનો વિસ્તૃત અહેવાલ ગતરોજ ‘ખાસ-ખબર’માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન શૈલેષભાઈ મારુ અને ગીતાબેને મારુ સહિત સમગ્ર મારુ પરિવારે 50 રૂ.ના સ્ટેમ્પ પેપર પર એક સોગંદનામું નોટરાઈઝ કરી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વ્યાજખોરો તરફથી જાનનું જોખમ હોવાનું જણાવ્યું છે. મારુ પરિવારના સભ્યો શૈલેષભાઈ મારુ, તેમના પત્ની ગીતાબેન, પુત્ર જનક અને પુત્રીઓ રિદ્ધી તથા ધ્રુવીએ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કરેલું વ્યાજખોરો તરફથી જોખમ હોવાનું સોગંદનાનું અક્ષરશ: આ મુજબ છે. આથી અમો સૌ સોગંદનામા દ્વારા જાહેર કરીએ છીએ કે, અમારા પર વ્યાજખોર (1) લાભુભાઈ દેસાભાઈ છૈયા, રહે. આનંદનગર રોડ, પંચશીલ બંગલાની પાછળ, રાજકોટ, (2) રમેશભાઈ વેલજીભાઈ સાટોડીયા, રહે. ગોંડલ, (3) નરોત્તમભાઈ વાઢેર, રહે. નીલકંઠ ટોકીઝ પાછળ, મેહુલનગર, રાજકોટ, (4) પ્રફુલભાઈ સોલંકી રહે. અંકુર વિદ્યાલય પાસે, અંકુર સોસાયટી, મવડી, રાજકોટ દ્વારા જાનનું જોખમ છે.
આ બધાં વ્યાજખોરો પાસેથી અમે જે-તે સમયે વ્યાજે નાણાં લીધાં હતાં અને વ્યાજ સહિત ચૂકતે પણ કરી દીધા છે. છતાં આ લોકો દ્વારા અમને સતત ધાકધમકી આપવામાં આવે છે. અવારનવાર તેઓ અમારા ઘરે પહોંચી જાય છે અને ધાકધમકી આપી ધમાલ મચાવે છે. તેઓ સ્પષ્ટ ધમકી આપે છે કે, ‘તમને અમે જીવવા નહીં દઈએ.’ આ બધાં અત્યંત માથાભારે તત્ત્વો છે. અમારા આખા પરિવારને તેમનાં તરફથી જાનનું જોખમ છે. અનેક વખત પોલીસમાં, ગૃહવિભાગમાં, પોલીસ કમિશનરને રજૂઆત અમે કરી છે. છતાં તેમને કોઈ જ ડર નથી. તેથી છેવટે અમારે કંટાળીને સહપરિવાર આત્મહત્યા કરવી પડે કે કોઈ અકસ્માતમાં અમારો જીવ જાય, કોઈ અમારૂં ખૂન કરે, અમારા પર હુમલો કરે કે અમારૂં અકુદરતી રીતે મૃત્યુ થાય તો તેના માટે ઉપરનાં ચાર શખ્સો જવાબદાર હશે.
- Advertisement -
મારૂ પરિવારના સોગંદનામામાં લાભુ, રમેશ, નરોત્તમ અને પ્રફુલનાં નામ
રાજકોટના કોઠારીયા ગામમાં રહેતા શૈલેષભાઈ મારુ ભાગીદારીમાં નાના પાયે મકાન બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા છે. મકાન બાંધકામના વ્યવસાયમાં પૈસાનું રોકાણ કરવા માટે તેમણે લાભુ છૈયા, રમેશ સાટોડિયા, નરોત્તમ વાઢેર, પ્રફુલ સોલંકી પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજના પૈસાના બદલમાં શૈલેષભાઈ મારુએ અલગ-અલગ લખાણ કરી ચેક અને જમીન-મકાનના કાગળિયાં આપ્યા હતા. જે પૈકી મૂળ પૈસા અને વ્યાજની રકમ જેમની પાસેથી લીધા હતા તેમને ચૂકવી પણ આપ્યા છે. કુલ લીધેલી રકમ, કુલ ચૂકવેલી રકમ અને તેની પર ચૂકવેલા કુલ વ્યાજનું સંપૂર્ણ લખાણ અને પુરાવાઓ શૈલેષભાઈ મારુ છે.
આમ છતાં લાભુ છૈયા, રમેશ સાટોડિયા, નરોત્તમ વાઢેર, પ્રફુલ સોલંકી નામના વ્યાજખોરો શૈલેશભાઈ મારુ અને તેમના પરિવારને હજુ વધુ વ્યાજ આપવા હેરાન-પરેશાન કરી રહ્યા હોય અને તેમની પ્રોપર્ટી ફાઈલ સહિતના ડોક્યુમેન્ટ પરત કરતા નહોય, જાનથી મારી નાખવાની ધાકધમકી આપતા હોય સમગ્ર મારુ પરિવારે એક સોગંદનામું કરી આ ચારેય વ્યાજખોરોથી જીવનું જોખમ હોવાનું જણાવ્યું છે.



