’વન સ્ટેશન વન પ્રોડકટ્સ’ હેઠળ દેશનાં 1000 સ્ટેશનોને આવરી લેવાશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
કોરોનાનો કપરો કાળ પુરો થયા બાદ હવે રેલવે સેવાઓ રાબેતા મુજબ કરીને વધુને વધુ મુસાફરોને લાભ મળે તેવા પ્રયાસો કરવાને બદલે રેલવે તંત્રએ સ્ટેશનો પર કોર્મર્સિયલ પ્રવૃતિ વધારી દીધી છે. ’વન સ્ટેશન વન પ્રોડકટ્સ ’ હેઠળ દરેક ડિવિઝનોમાં મહત્વનાં સ્ટેશનો પર સ્ટોલ ઉભા કરવા વેન્ડરો – ઉત્પાદકોને શોધવા કામે લાગ્યુ છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ભાવનગર ડિવિઝને ખાસ ટીમને આ કામ સોંપ્યુ છે.
રેલવેમાં સિનિયર સિટિઝનો અને મહિલાઓ જે ડિસ્કાઉન્ટ આપવામાં આવતુ હતુ તે હાલ બંધ છે ઉપરાંત લોકલ ટ્રેનોમાં મેલ અને એકસપ્રેસનું ભાડું લેવામાં આવી રહયુ છે તેમાં કોઈ રાહત અપાતી નથી. સૌરાષ્ટ્રમાંથી સીધી હરિદ્રારની એક માત્ર ટ્રેન ઉતરાંચલ એકસપ્રેસમાં લાંબુ વેઈટીંગ છે છતાં બીજી ટ્રેન સુવિધા અપાતી નથી. ઓખા – નાથદ્રારા સહિતની ટ્રેનો કોરોનામાં બંધ કરાયા બાદ હજુ ચાલુ કરવામાં આવી નથી. આમ રેલવે તંત્ર મુસાફરોની સુવિધા વધારવા કોઈ નિર્ણય લઈ રહયુ નથી પરંતુ મોટા સ્ટેશનો પર સ્ટોલ વધારવા ખાસ ટીમોને દોડાવી રહયુ હોય લોકોમાં રોષ જોવા મળી રહયો છે.
’વન સ્ટેશન વન પ્રોડકટ્સ ’ રેલવે મંત્રાલયનો પ્રોજેકટ છે દેશનાં 1000 રેલવે સ્ટેશનોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. રાજકોટ રેલવે ડિવિઝનમાં આ યોજના હેઠળ માત્ર રાજકોટ સ્ટેશન પર સ્ટોલ ઉભા કરાયા છે. પરંતુ ભાવનગર રેલવે ડિવિઝને ભાવનગર ઉપરાંત તેનાં કાર્યક્ષેત્ર હેઠળનાં પોરબંદર, ગોંડલ, જૂનાગઢ, કેશોદ, ધોરાજી , સાવરકુંડલા સહિતનાં 15 સ્ટેશનો પર સ્થાનિક ઉત્પાદનો માટે સ્ટોલ ફાળવવાનો નિર્ણય કર્યો છે અને આ માટે વેન્ડરોને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. રેલવે તંત્રએ મુસાફરોની સુવિધા વિકસાવવાને બદલે આજનાં ઓનલાઈન ખરીદીનાં જમાનામાં સ્ટોલ ઉભા કરવા પ્રયાસો હાથ ધર્યા છે તેની સામે પણ સવાલો ઉભા કરવામાં આવી રહયા છે. દરમિયાન રેલવે રાજય પ્રધાન આગામી સપ્તાહમાં રાજકોટની મુલાકાતે આવી રહયા બેઠકોનો દોર શરૂ થયાનું જાણવા મળે છે જો કે સતાવાર રીતે હજુ કોઈ કાર્યક્રમ જાહેર કરાયો નથી.