ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે રાજકોટ પધારશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આધુનિક રાજનીતિના ચાણક્ય ગણાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સોમવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આગાહી મુલાકાતને લઈ રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું કે, દેશના ગૃહમંત્રી તરીકે ઐતિહાસિક નિર્ણયો તથા સહકારિતા મંત્રી તરીકે સહકારી પ્રવૃત્તિઓના વિકાસમાં સિંહફાળો આપનાર અમિતભાઈ શાહ એક લડાયક અને કાર્યકુશળ નેતા છે. તેમના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળ ભાજપના સક્રિય સભ્યોની સંખ્યા 11 કરોડ પાર પહોંચી હતી, જે વિક્રમસર્જક સિદ્ધિ કહેવાય. રાજુભાઈએ ઉમેર્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી જાહેર જીવનની શરૂઆત કરનાર અમિતભાઈ શાહે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી લઈ ભાજપ યુવા મોરચા સુધીમાં સંગઠનાત્મક કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. 1997માં પ્રથમવાર સરખેજથી ધારાસભ્ય બનીને તેમણે રાજ્યની રાજનીતિમાં પોતાનું સ્થાન બનાવ્યું. ત્યારબાદ ગુજરાત સરકારમાં નાણા નિગમ અધ્યક્ષ, મંત્રી, તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અનેક મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી. 2014ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે ભાજપને ઐતિહાસિક વિજય અપાવતા તેમને ‘આધુનિક ચાણક્ય’ તરીકે ઓળખ આપવામાં આવી. 2019માં ગાંધીનગર લોકસભા બેઠક પરથી 69 ટકા મત મેળવી તેઓ સંસદમાં પહોંચ્યા અને ગૃહમંત્રી બન્યા. તેમના કાર્યકાળ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો.