વૈશ્ર્વિક માનસિક સ્વાસ્થ્ય ઇન્ડેક્સમાં ભારત 60મા ક્રમે: યુવાનો કરતા વડીલો માનસિક રીતે વધુ મજબૂત હોવાનો ખુલાસો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
- Advertisement -
ભારતમાં 18 થી 34 વર્ષના યુવાનો બહેતર માનસિક સ્વાસ્થ્યના મામલામાં દુનિયાના 84 દેશોમાં 60મા ક્રમે હોવાનો ચિંતાજનક ખુલાસો ગ્લોબલ માઇન્ડ હેલ્થ-2025ના રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટ અનુસાર ભારતના યુવાનોનો માઇન્ડ હેલ્થ ક્વોશેન્ટ અર્થાત ખઇંચ સ્કોર માત્ર 33 છે, જે વડીલોની તુલનામાં ઘણો ઓછો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે 55 વર્ષથી ઉપરના ભારતીયોનો સ્કોર 96 છે અને તેઓ વૈશ્વિક રેન્કિંગમાં 49મા ક્રમે છે. આ રિપોર્ટ ચેમ્પિયન લેબ્સના ગ્લોબલ માઇન્ડ પ્રોજેક્ટ અંતર્ગત 10 લાખથી વધુ લોકોના ડેટાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. સ્માર્ટફોનનો નાનપણથી ઉપયોગ, અલ્ટ્રા-પ્રોસેસ્ડ પેકેજ્ડ ફૂડનું વધતું ચલણ અને પરિવારથી વધતું અંતર યુવા પેઢીની માનસિક તબિયત બગાડવા પાછળના મુખ્ય કારણો તરીકે સામે આવ્યા છે. અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના કારણે શારીરિક જ નહીં પણ માનસિક બીમારીઓનો ખતરો પણ વધી રહ્યો છે. સર્વેક્ષણ મુજબ 44 ટકા યુવાનો અઠવાડિયાના મોટાભાગના દિવસોમાં આવું પેકેજ્ડ ફૂડ ખાય છે, જ્યારે વડીલોમાં આ પ્રમાણ માત્ર 11 ટકા છે. છેલ્લા 15 વર્ષમાં ભારત અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું વિશ્વનું સૌથી ઝડપથી વધતું બજાર બની ગયું છે, જે યુવાનોમાં સ્થૂળતા અને ડાયાબિટીસની સાથે માનસિક તાણ પણ વધારી રહ્યું છે. જોકે પારિવારિક જોડાણ અને આધ્યાત્મિકતા હજુ પણ ભારતીય યુવાનો માટે સુરક્ષા કવચ સમાન છે, પરંતુ ઇન્ટરનેટના પ્રભાવ હેઠળ હવે પરિવાર સાથેના આત્મીય સંબંધોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. એમએચક્યુ સ્કોર જે માણસની ભાવનાત્મક અને સામાજિક ક્ષમતાઓને માપે છે, તેમાં યુવાનોનું પાછળ પડવું એ દેશના ભવિષ્ય માટે લાલબત્તી સમાન છે.
ખઇંચ સ્કોર અને માનસિક ક્ષમતા
માઇન્ડ હેલ્થ ક્વોશેન્ટ (ખઇંચ) એ વ્યક્તિની માનસિક અવસ્થા માપવાનું એક વૈજ્ઞાનિક પ્રમાણ છે જે માત્ર બૌદ્ધિક ક્ષમતા જ નહીં પરંતુ વ્યક્તિની ભાવનાત્મક સ્થિરતા, સામાજિક અનુકૂલન, અને શારીરિક-માનસિક તાલમેલને પણ ધ્યાનમાં લે છે. ભારતીય યુવાનોમાં આ સ્કોર ઓછો હોવાનો અર્થ એ છે કે તેઓ તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરવામાં અને સામાજિક સંબંધો જાળવવામાં અગાઉની પેઢી કરતા નબળા સાબિત થઈ રહ્યા છે.
- Advertisement -
સ્માર્ટફોન અને માનસિક એકલતા
રિપોર્ટમાં સ્માર્ટફોનને ’સ્માર્ટનેસ’ છીનવી લેનાર પરિબળ ગણાવવામાં આવ્યું છે કારણ કે તે યુવાનોને વર્ચ્યુઅલ દુનિયામાં વ્યસ્ત રાખી વાસ્તવિક સામાજિક સંપર્કોથી દૂર કરે છે. આ ડિજિટલ વ્યસન યુવાનોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટાડે છે અને અનિદ્રા તેમજ ચિડિયાપણું વધારે છે, જે લાંબા ગાળે ગંભીર માનસિક રોગોનું કારણ બની શકે છે.



